- કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન
- સલામતીના ભાગરૂપે જામનગરમાં ઘોડેસવાર પોલીસ જવાન તૈનાત કરાયા
- શહેરમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
જામનગર: દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેના પગલે આજs ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જામનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
શહેરના તમામ માર્ગ ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી
બંધને કારણે શહેરમાં કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં તે માટે જામનગર પોલીસે ઘોડે સવાર જવાનોને સુરક્ષા માટે તૈનાત કર્યા છે. ખાસ કરીને સરકારી મિલકતને કોઈ નુકસાન ન પહોંચે તે માટે જામનગર પોલીસે તમામ જવાનોનો વહેલી સવારથી જ ડ્યુટી પર તહેનાત કર્યા છે. જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં છ જેટલા ઘોડેસવાર પોલીસ જવાનોને ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે.
જામનગરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેના પગલે જામનગરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વહેલી સવારથી જામનગરમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામની અટકાયત કરી હતી. અમુક વિસ્તારમાં તમામ દુકાનો ખુલ્લી જોવા મળી છે તો અમુક વિસ્તારોમાં બંધ જોવા મળ્યું છે. જામનગરની મુખ્ય બજાર ગણાતી ચાંદી બજારમાં તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી હતી. તો ત્રણ બત્તી અને સુપર માર્કેટ વિસ્તારમાં મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. અમુક જગ્યાએ ભારત બંધને સમર્થન મળ્યું છે તો અમુક જગ્યાએ ભારત બંધનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. ખાસ કરીને જામનગર શહેરના લઘુમતી વિસ્તારમાં પણ ભારત બંધને કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી છે.
પોલીસે ઉપદ્રવીઓની અટકાયત કરી
જામનગર પોલીસે વહેલી સવારથી જ વિરોધ કરી રહેલા લોકોની અટકાયત શરૂ કરી હતી. કોંગ્રેસ પાર્ટીના 50 જેટલા આગેવાનો અને કાર્યકરો તથા આમ આદમી પાર્ટીના કાર્યકરોની જામનગર પોલીસે અટકાયત કરીને તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.