- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચ માટે માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો કરાશે ઉપયોગ
- કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
- 12 માર્ચથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહી છે T-20 સીરીઝ
જામનગર: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી T-20 મેચની સીરીઝ રમાવાની છે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે કોરોનાની મહામારીને લઈ આ સ્ટેડિયમાં ખાલી 50 ટકા દર્શકોને મેચ જોવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સ્ટેડિયમમાં મેચને લઈ કોવિડ-19 રોગચાળા સંબંધિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચનું બુકિંગ શરૂ
મેચ માટે ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન મળશે
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ-પ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાનારી તમામ T-20 મેચમાં અમે સ્ટેડિયમની માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરીશું. આ તમામ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ પરથી ટિકિટોનું વેચાણ કરવામાં આવશે.
સ્ટેડિયમને સેનેટાઇઝ કરવામાં આવ્યું
પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન થાય તે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.