જામનગર: જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં અત્યાર સુધી 368 બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી છે. જે પૈકી 108 પોઝિટિવ હતા અને 260નો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. છતાં પણ તેમને સારવાર આપવાની ફરજ પડી હતી. હાલ જીજી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 3 બાળકો સારવાર હેઠળ છે.
બીજી લહેરમાં 306ના મોત, સિલસિલો હજુ પણ યથાવાત
ભારતમાં ફેબ્રુઆરી 2020માં કોરોનાની સત્તાવાર એન્ટ્રી થઇ હતી. જ્યારે જામનગર શહેર અને જિલ્લામાં એપ્રિલ 2020માં કોરોનાનો પ્રથમ કેસ અને પ્રથમ મોત સામે આવ્યા હતાં. ત્યારથી શરૂ થયેલી પ્રથમ લહેર છેક નવેમ્બર સુધી ચાલી હતી. આ સમયગાળા દરમ્યાન શહેર અને જિલ્લામાં કોરોનાથી સતાવાર મૃત્યુનો આંકડો 35 હતો. જયારે કો-મોર્બીડ દર્દીઓના મૃત્યુની સંખ્યા 700થી વધુ હતી. એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે જામનગર શહેરમાં કોરોનાના નવા કેસ શૂન્ય થઇ ગયા હતાં.
કો-મોર્બીડિટીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને છુપાવવાનો કીમિયો
જામનગરમાં અત્યાર સુધીમાં કોરોનાથી સત્તાવાર રીતે કુલ 341 વ્યકિતઓના મોત થયા છે. જયારે બિન સત્તાવાર રીતે 4300 જેટલાં દર્દીઓના મોત જામનગરની કોવિડ હોસ્પિટલમાં સમગ્ર કોરોનાકાળ દરમ્યાન થયા છે. તજજ્ઞો દ્વારા બીજી લહેર શાંત થયા બાદ ત્રીજી લહેરની સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીજી લહેર ન આવે અને આવે તો આટલી ઘાતક પુરવાર ન થાય તે માટે આપણે સૌ એ અત્યારથી જ ચેતી જવું જરૂરી છે. આપણાં દેશનું જે પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. તે જોતાં કોરોના પ્રોટોકોલમાં સ્વયં શિસ્ત જ આપણને કોરોનાની ત્રીજી લહેરથી બચાવી શકશે.
ત્રીજી લહેર બાળકો માટે ઘાતકી સાબિત થઈ શકે છે
જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે ત્રીજી લહેરમાં બાળકોને કોરોના થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ પ્રથમ અને બીજી લહેર દરમિયાન જામનગરમાં પણ બાળકો સંક્રમિત થયા છે. જામનગરની જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના પોઝીટીવ બાળકોને અલગ સારવાર અપાઈ રહી છે. અને તેમની વિશેષ તકેદારી પણ રાખવામાં આવી છે. અત્યાર સુધી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા 108 બાળકોને સારવાર આપવામાં આવી છે.