- જામનગરમાં 21 વર્ષીય યુવાન બન્યો અમ્પાયર
- 2019માં 3 દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો
- અત્યાર સુધીમાં સંખ્યાબંધ મેચોમાં અમ્પાયરિંગ પણ કર્યું
જામનગર : શહેરમાંથી જામ રણજીતસિંહથી લઈને રવિન્દ્રસિંહ જાડેજા જેવા ખ્યાતનામ ક્રિકેટરો દેશને મળ્યા છે. ત્યારે એક 21 વર્ષીય યુવાને પોતાનું અમ્પાયર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો આ યુવાન ક્રિકેટર ન બની શકતા તેણે અમ્પાયર તરીકેની કારકિર્દી અપનાવી હતી.
ઈન્ટરનેશનલ અમ્પાયર પાસેથી મેળવી હતી તાલીમ
રાજકોટની આત્મિય કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા જય શુક્લએ 2019માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાહેરાત જોઈને ખંડેરી સ્ટેડિયમ ખાતે અમ્પાયર બનવા માટેના ત્રણ દિવસીય સેમિનારમાં ભાગ લીધો હતો. તે સમયે ઈન્ટરનેશનલ કોચ અમિત શાહીબા પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. જ્યારબાદ તેણે 21 વર્ષની ઉંમરે આ પરીક્ષા પાસ કરી છે.
BCCIની પરીક્ષા પાસ કરવાનો છે લક્ષ્યાંક
જય હવે BCCIની પરીક્ષા પૂર્ણ કરવા માગે છે. ગત વર્ષે કોરોનાને કારણે તે પરીક્ષા લેવામાં આવી ન હતી. આવતા વર્ષે તે પરીક્ષા યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. BCCI દ્વારા અમ્પાયર માટે નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષ રાખવામાં આવી હતી. જોકે, અમ્પાયર્સની અછત સર્જાતા હવે નિવૃત્તીની વયમર્યાદા વધારીને 60 વર્ષ રાખવામાં આવી છે.