- જામનગરમાં ભાજપે 14 આયાતી ઉમેદવારોને ટિકિટ ફાળવી
- જ્ઞાતિ સમીકરણને આધારે લેવાયો નિર્ણય
- આ તમામ ઉમેદવારની મતદાતા પર સારી પકડ
જામનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને NCPએ 16 વોર્ડમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ તમામ ઉમેદવારોએ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે.
ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જંગ
આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે રિપીટ થિયરીને અજમાવી છે, તો ભાજપે સી.આર.પાટીલના આદેશ અનુસાર 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓની ટિકિટ કાપી છે. આ સાથે જ 3 ટર્મ કોર્પોરેશન લડેલા કોર્પોરેટર અને પાર્ટીના હોદ્દા પર રહેલા વ્યક્તિના સગા સંબંધીઓની ટિકિટ કાપી છે. જેથી આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સીધો જંગ જામશે.
ભાજપે જ્ઞાતિ સમીકરણને આધારે આયાતી ઉમેદવારોને આપી ટિકિટ
ભાજપ શહેર પ્રમુખ ડૉ. વિમલ કગથરાના જણાવ્યા અનુસાર ભાજપે આયાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ નિર્ણય જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખીને લીધો છે. આ સાથે જ ભાજપે જે આયાતી ઉમેદવાર પર દાવ ખેલ્યો છે, તે તમામ ઉમેદવાર ભાજપના સક્રિય કાર્યકરો છે અને આ તમામ ઉમેદવાર મતદારો પર સારી પકડ ધરાવે છે.
જામનગરમાં ગત 25 વર્ષથી ભાજપનું શાસન
જામનગર મહાનગરપાલિકામાં ગત 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. જામનગર શહેરમાં તમામ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સાથે જ મતદારોમાં ભાજપ પ્રત્યે પહેલા જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.