- રણજીતસાગર રોડના ઈવા પાર્કમાં ફાયરિંગની ઘટના
- જયસુખ ઉર્ફે ટીના પેઢડિયા નામના યુવાન પર ફાયરિંગ
- અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર
- પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ
જામનગરઃ શહેરના ઈવા પાર્કમાં જયસુખ પઢેડીયા નામના શખ્સ પર ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ એક રાજકોટથી FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ તેમણે CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે ભૂમાફિયા જયેશ પટેલ સાથેની જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાનુ માનવામાં આવે છે.
ફરી જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલનો ખોફ
જામનગરના ઈવા પાર્કમાં જયસુખ પેઢડિયા નામના શખ્સ પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. જેથી ભૂમાફિયા જયેશ પટેલ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. શહેરના ઈવા પાર્કમાં જયસુખ પેઢડીયાના મકાનનું કામ ચાલુ હતું ત્યાં આ ઘટના બની હતી. જેમાં ભૂમાફિયા જયેશ પટેલે જૂની અદાવતમાં જયસુખ પટેલ પર ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવે છે.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા જયસુખ પટેલને જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં LCB સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. જો કે, જયેશ પટેલ દ્વારા શહેરમાં અનેક લોકો પર ફાયરિંગની ઘટના કરવામાં આવી છે અને જમીન પ્રકરણ સહિતના અનેક ગુનાઓમાં જયેશ પટેલ સંડોવાયેલો છે.
ભાડુઆત માણસો પાસે વિદેશમાં રહી કરાવ્યું ફાયરિંગ
આ અગાઉ જમીન પ્રકરણ મામલે જયેશ પટેલ સાથે સંકળાયેલા શહેરના બિલ્ડર, નિવૃત્ત પોલીસ અધિકારી, નગરસેવક સહિતના લોકો હાલ જેલમાં છે, ત્યારે આજે ગુરુવારે થયેલા ફાયરિંગ પ્રકરણમાં તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન, DySP નિતેશ પાંડે સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમણે વધુ તપાસ હાથ ધરી છે.