જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠક પર 2015થી કોંગ્રેસના મૂળજીભાઇ વાઘેલા સત્તા હતા, પરંતુ અઢી વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યાં બાદ થોડા સમય પહેલાં તેમનું અવસાન થતાં તેમનું પ્રમુખ પદ ખાલી પડ્યુ હતું. જેથી આ ખાલી પડેલી જગ્યા માટે 21 જુલાઇના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના રમેશભાઇ સિંચ, કોંગ્રેસના અમિતભાઇ પરમાર તેમજ પૂંજાભાઇ ફફલનો સમાવેશ થતો હતો. આ અનામત બેઠકની પેટા ચૂંટણી માટે ગત્ રવિવારે યોજાયેલા મતદાનમાં માત્ર 29% જેવું કંગાળ મતદાન થયું હતું.
આ પેટા ચૂંટણીની મતગણતરી મંગળવારે જામનગર જિલ્લા મહેસુલ સદન ખાતે ચૂંટણી અધિકારી હર્ષવર્ધન સોલંકીની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. 4 રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થતા પ્રથમ ત્રણ રાઉન્ડમાં ભાજપની સરસાઇ હતી. જ્યારે અંતિમ રાઉન્ડમાં કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. તો પણ કોંગ્રેસના ઉમેદવાર ભાજપને હરાવવામાં સફળ થયા ન હતા. પરિણામે ભાજપનો વિજય થયો હતો. કુલ મતગણતરી પુરી થતાં 6,607 મતમાંથી ભાજપના ઉમેદવાર રમેશભાઇ સિંચને 3853 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અમિત જગદીશભાઇ પરમારને કુલ 2570 મત મળ્યાં હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પૂંજાભાઇ ફફલને કુલ માત્ર 90 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 84 મત પડ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર રમેશભાઇ સિંચનો 1283 મતે જ્વલંત વિજય થયો હતો.