- દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતી મેળાનું આયોજન
- કોરોના મહામારી વચ્ચે પ્રથમ વખત આયોજન
- ભરતી મેળામાં કોવિડ સર્ટિફિકેટ ફરજિયાત
જામનગરઃ કોરોના વાઇરસને કારણે તમામ સામાજિક અને રાજકીય કાર્યક્રમોને ઓનલાઇન યોજવામાં આવી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં આ મહામારી વચ્ચે આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોવિડ મહામારીમાં પ્રથમ વખત આર્મી ભરતી મેળાનું આયોજન
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને અનેક લોકો કોરોનાથી સંક્રમિત પણ થઈ રહ્યા છે. જોકે હાલાર પંથકમાં ધીમે ધીમે કોરોના પર અંકુશ આવતો હોય તેવું જણાઈ રહ્યું છે. જામનગર રોજગાર કચેરી દ્વારા આગામી 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આર્મીમાં જોડાવા ઈચ્છતા યુવકોએ કોવિડ સર્ટિફિકેટ લાવવું ફરજીયાત
આર્મીમાં જોઈન થવા ઇચ્છતા યુવકોએ ફરજિયાત કોવિડનું સર્ટીફીકેટ જમા કરાવવાનું રહેશે અને ત્યારબાદ જ તે ભરતીમેળામાં ભાગ લઇ શકશે. દેવભૂમિ દ્વારકામાં યોજાનારા આર્મી ભરતી મેળામાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવના યુવકો ભાગ લઇ શકશે. 17 વર્ષથી વધુની વયના યુવકો અને અપરિણીત હોય તે ભરતી મેળામાં ભાગ લઇ શકશે. Etv ભારત સાથેની વાતચીતમાં રોજગાર કચેરી અધિકારી સરોજ ચાંડપાએ જણાવ્યું કે, કોરોના મહામારી હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી આર્મી ભરતી મેળા બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે ધીમે ધીમે કોવિડની મહામારી હાલાર પંથકમાંથી ઓછી થતી જાય છે, ત્યારે સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.