મળતી માહિતી પ્રમાણે સેક્ટર-21 વિશ્વકર્મા શોપિંગ સેન્ટરમાં નિવૃત RTO બી. ટી. વ્યાસના પુત્ર સુનિલ વ્યાસની વાહનોને લગતી સર્વેયર અને ઈન્વેસ્ટિંગેટરની ઓફિસ આવેલી છે. ગુરૂવારે બપોરે 3 વાગ્યાના અરસામાં તેનો મિત્ર ઈન્દ્રસિંહ ગોહીલ આવ્યો હતો અને ત્રીજો મિત્ર પણ ત્યાં જ હાજર હતો. આ સમયે મિત્રોએ સુનિલ પાસે રહેલી રિવોલ્વર જોવા માટે માંગી હતી. જેને પગલે સુનિલ રિવોલ્વર લોક કરવા ગયો હતો અને આ સમયે કોઈ રીતે ટ્રીગર દબાઈ જતા ગોળી છૂટી હતી. જે સામે બેઠેલા ઈન્દ્રસિંહને છાતીના જમણા ભાગે વાગી હતી. જેથી સુનિલ અને બીજા મિત્રએ તેને તાત્કાલિક એપોલો હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઈન્દ્રસિંહની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને પગલે સેક્ટર-21 પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી. જે સ્થળે ફાયરિંગ થયું છે ત્યાં અંદર CCTV કેમેરા પણ નથી. શહેરમાં ફાયરિંગની ઘટનાના સમાચાર સાંભળી જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા પણ દોડી આવ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. જ્યારે સુનિલ વ્યાસની ઓફિસમાં રિવોલ્વર અને એક કારતુશ છુટો નીચે પડેલો જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવીને પોલીસ અધિકારી-કર્મચારીઓને જરૂરી સુચના આપી હતી. જેને પગલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ રાઠવાએ લાઇસન્સ મંગાવીને ઘટના અંગે તપાસ શરૂ કરી છે.