ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે પહેલી વખત યુવા મોડેલ એસેમ્બ્લીનું આયોજન (Youth Model Assembly in Gujarat Assembly) કરવામાં આવ્યું છે. એટલે કે, આજે યુવાનો ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચલાવશે. ત્યારે આ કાર્યક્રમના પ્રારંભ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે 'યુવા મોડેલ એસેમ્બલી'નું આયોજન કરાયું છે.
CMએ યુવાનોને કર્યા પ્રોત્સાહિત - મુખ્યપ્રધાને યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, આજના યુવાનોમાં પથ્થરમાંથી પાણી કાઢવાની શક્તિ છે. એટલે આપણા દેશનું ભવિષ્ય તમારા હાથમાં ખૂબ જ સુરક્ષિત છે. આજની આ વિધાનસભા રાજકીય નહીં પણ સામાજિક બની રહેશે.
અધ્યક્ષની ખુરશીને ખાલી રખાઈ - ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની ગરિમા જળવાય તે માટે અધ્યક્ષની ચેર ખાલી રાખવામાં આવી હતી. જ્યારે વિધાનસભાના મોક અધ્યક્ષને વેલમાં બેસાડવામાં આવ્યા હતા. તો આ યુવા મોડેલ એસેમ્બ્લીમાં યુવાનોએ પરસ્પર સવાલ-જવાબ કર્યા હતા.
જાણો એક દિવસના નેતા વિશે - તો આજની મોક વિધાનસભામાં રોહન રાવલ એક દિવસના મુખ્યપ્રધાનની ભૂમિકામાં જોવા મળ્યા છે. રોહન રાવલ શહેરની ઝાયડસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. જ્યારે વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે મિશ્રી શાહ ભૂમિકા ભજવશે.