મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલમાં આવેલી આઠ માળની ઇન્ડોર બિલ્ડીંગના 8માં માળે મેડિસિન વોર્ડ આવેલો છે તે વોર્ડમાં 5 દિવસ પહેલા એક 27 વર્ષીય યુવક નારણજી રમેશજી સોલંકી (રહે આલમપુર ગાંધીનગર) સારવાર માટે દાખલ કરાયો હતો. મંગળવારે બપોરના સમયે એકાએક આ યુવક વોર્ડની બારીના છઝા ઉપર આવીને બેભાન અવસ્થામાં ઊભો રહી ગયો હતો. આ દ્રશ્ય ફરજ બજાવી રહેલા સિક્યુરિટીની નજરમાં આવતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતા ગાંધીનગર સિવિલમાં પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આ યુવકને સમજાવવાનું કામ ચાલુ રાખ્યું હતું. બીજી તરફ ફાયરના જવાનો બારી સુધી પહોચી ગયા હતાં અને પાસે જઇને યુવકને અંદર ખેંચી લીધો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આઠ માળની બિલ્ડીંગ બની ત્યારથી લઈને આજ સુધી ચાર યુવકોએ મોતની છલાંગ લગાવી છે ત્યારે મંગળવારે ફાયરની ટીમ દ્વારા પાંચમા યુવકને બચાવી લેવાયો હતો.