ગાંધીનગર: કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીને પ્રસાદ યોજના અન્વયે સાંકળી લેવાનો નિર્ણય કર્યો છે. પ્રસાદ યોજનામાં અગાઉ સમાવિષ્ટ થયેલા સોમનાથ અને દ્વારકા સાથે હવે અંબાજી ગુજરાતનું ત્રીજુ યાત્રા પ્રવાસન તીર્થ બન્યું છે જેનો પ્રસાદ યોજના અન્વયે વિકાસ થશે.
ગુજરાત પ્રવાસન નિગમે યાત્રાધામ અંબાજીનો પ્રસાદ પરિયોજનામાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરી હતી જેનો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે સ્વીકાર કરતા અંબાજી મંદિરમાં પ્રવાસન સુવિધા કેન્દ્ર, કોમ્યુનીટી કિચન, ગબ્બર પગથિયા નવિનીકરણ જેવી પ્રવાસન અને યાત્રીઓને લગતી સુવિધાઓનો વિકાસ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રિક સુવિધાઓ માટે ISO 9001 સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.