ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકામાં લાંબા સમયથી કમિશ્નર તથા સ્થાયી સમિતીના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે મંગળવારે પ્રભારી મંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ, મહામંત્રી, મેયર, સ્થાયી સમિતિ ચેરમેન તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાયી સમિતીના સભ્યોએ આ બેઠકમાં મ્યુનિ.કમિશ્નર પર આકરા પ્રહારો કર્યા હતા. મુદત પૂરી થયા પછી ટેન્ડરોને મનસ્વી રીતે લંબાવી દેવાના અને મનસ્વી રીતે લાખો રૂપિયાની ચૂકવણી કરવાના આક્ષેપો વહીવટીતંત્ર પર થયા હતા.
વહીવટીતંત્રના બચાવમાં મેયરે સ્થાયી સમિતીના સભ્યો દ્વારા મનમાની ચાલતી હોવાનું જણાવ્યું હતું. સ્થાયી સમિતીના સભ્યો ટેન્ડરો તથા મહત્ત્વના નિર્ણયો અને બિલના ચૂકવણા ઈરાદાપૂર્વક અટકવી રાખતા હોવાનો દાવો તેમણે કર્યો હતો. મેયરના આક્ષોપના જવાબમાં એક સિનિયર સભ્યએ તો ચીમકી આપી હતી કે, સભ્યોના મતે તેમને મેયર બનાવ્યા છે, આ વાત ભૂલવી જોઈએ નહીં. સ્થાયી સમિતીના સભ્યો અને મેયર વચ્ચે ઉગ્રતા વધતાં પ્રભારી સચિવે સંગઠનની સૂચના મુજબ જ સ્થાયી સમિતીની કામગીરી હાથ ધરવા જણાવ્યુ હતું.
મંત્રીની હાજરીમાં મેયર-પૂર્વ હોદ્દેદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી
સ્થાયી સમિતીમાં વર્ચસ્વ જમાવવાની સાથે વહીવટી તંત્ર પર પકડ રાખવાના પ્રયાસો વચ્ચે મેયર અને મ્યુનિ.ના પૂર્વ હોદ્દેદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે તુ-તારી અને બૂમાબૂમ થતાં મંત્રીની કચેરીનો સ્ટાફ ધસી આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. જો કે, આંતરિક મામલો હોવાનું કહીને પ્રભારી મંત્રીએ વાત વાળી લીધી હતી.
બગીચાનું ટેન્ડર પાસ કરાવવા રૂપિયા 25 લાખ લેનારા નેતા કોણ ?
ગાંધીનગર મનપા દ્વારા હાલ બગીચાઓના રિનોવેશન માટે રૂપિયા 38 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા વિવિધ ટેન્ડર બહાર પડાયા છે. ટેન્ડર પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે એક સ્થાનિક નેતાએ કોન્ટ્રાક્ટ અપાવી દેવા માટે એજન્સી પાસેથી રૂપિયા 25 લાખ લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થાનિક નેતા અને તેમની ટોળકી સામે અગાઉ પણ આ પ્રકારના આક્ષેપો થયા હોવાથી મુખ્યપ્રધાને સંકલન સમિતીની બેઠક યોજવાની પ્રથા બંધ કરાવી હતી. જો કે, કમિશ્નર અને સ્થાયી સમિતીના સભ્યો વચ્ચે ચાલતી ખેંચતાણમાં પક્ષના સ્થાનિક હોદ્દેદારો ફાવી ગયા છે.