ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસોની વાર છે. ત્યારે કોંગ્રેસના 5 સભ્યો રાજીનામા આપ્યાં બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો અત્યારે રાજસ્થાનના જયપુર શહેરના વિલાસ રિસોર્ટમાં રોકાયાં છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કટાક્ષ કર્યાં હતાં. રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની જનતા કોરોના વાઈરસથી ફફડાટની અનુભવી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં પણ નહીં વિધાનસભામાં પણ નહીં અને રાજસ્થાનમાં જઈને રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ધૂબાકા મારી રહ્યાં છે.
સીએમ રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી બાબતે અને ભાજપના 3 ઉમેદવારો જીતે તે બાબતે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી હવે ખાલી ફોર્માલિટી છે. વાંચી શકે નહીં દિવાલ ઉપર એવા લોકો પણ મોટા અક્ષરે વાંચી શકે કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી બનશે. જ્યારે કોંગ્રેસના પાંચ સભ્યોનાં રાજીનામાં એ જ દેખાડે છે કે, ત્યાં એની સભ્ય સંખ્યા ઘટી ગઈ છે અને એટલા જ માટે કોંગ્રેસમાં આંતરિક સ્પર્ધા,ઝઘડા, સંઘર્ષ અને ભડાકા થાય છે. હાઈકમાન્ડે દોડીને આવવું પડ્યું હતુ. અમારા ત્રણ ઉમેદવાર જીતી ગયાં છે. મતદાનની પ્રક્રિયા બાકી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જયારે કોંગ્રેસના લોકો જુદા પ્રકારના જુઠ્ઠાણાં ચલાવે છે. હવે બીકના માર્યા જયપુરથી છતીસગઢ જઈ રહ્યાં છે. જ્યારે ભાજપના બધા સભ્યો આજે ખુલ્લાંમાં છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો ભાજપે નક્કી કરેલા ઉમેદવારોને મત આપશે. છોટુ વસાવાની બી.ટી.પી, એન.સી.પી.ના લોકો પણ સો ટકા ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે.
સીએમ વિજય રૂપાણી રૂપાણીએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, કોંગ્રેસનો ઇતિહાસ છે કે, બનાસકાંઠાના પૂર વખતે લોકો મુશ્કેલીમાં હતાં. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં ધૂબાકા મારતાં હતાં. આ વખતે પણ ગુજરાતની પ્રજા કોરોના વાઇરસથી ભય નીચે જીવી રહી છે. ત્યારે ધારાસભ્યોએ એમને સાથસધિયારો અને એની વચ્ચે રહેવું એ આજના સમયે જરૂરી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો, બધાં આગેવાનો જયપુરના રિસોર્ટમાં ધૂબાકા મારી રહ્યાં છે.