- નોર્થ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે CMએ કરી ચર્ચા
- અમેરિકામાં રહેતા ગુજરાતીઓએ પોતાના વતનને કોરોનાથી બચાવવા જરૂરી તમામ મદદની આપી ખાત્રી
- દેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ માટે ગુજરાતમાં બે નોડલ ઓફિસરોની કરાઈ નિમણૂક
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઇન્જેક્શન, ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની લાઇન લાગી છે. ત્યારે આજે ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નોર્થ અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજના અગ્રણીઓ, તબીબો, સીનિયર એસોસિએશનના સભ્ય સાથે કોવિડ સંદર્ભે ઈ-બેઠક કરી હતી. જેમાં ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતી બાબતે મુખ્યપ્રધાન રૂપાણીએ ચર્ચા કરી હતી સાથે જ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને કાર્યો બાબતે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓક્સિજન, કોરોના વેક્સિન, દવાઓ આર્થિક સહિતની તમામ મદદ કરશે તેવી જાહેરાત કરી હતી. જેમાં રાજ્ય સરકારે પણ વિવિધ કસ્ટમ ક્લિયરન્સ માટે ગુજરાતમાં બે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે.
![મખ્યપ્રધાન વિજય રૂપાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-09-usa-gujarati-vc-cm-photo-story-7204846_30042021170825_3004f_1619782705_719.jpg)
આ પણ વાંચોઃ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સ્ટાફની અછત સામે નૌકાદળની ટીમ આવી અમદાવાદ
પોતાના વતનનું ઋણ અદા કરવાની બતાવી તૈયારી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, નિષ્ણાત તબીબો, સીનિયર એસોસિએશનના સભ્યો સાથે ગુજરાતમાં કોવિડ સંદર્ભે ગાંધીનગર ખાતેથી આજે ગુરુવારે ઈ-બેઠક અને સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં અમેરિકામાં રહેતા ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાતને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ સંશાધનો અને CM રીલિફ ફંડમાં આર્થિક સહયોગ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ પહેલને મુખ્યપ્રધાન રૂપાણીએ આવકારીને પોતાના વતનનું ઋણ અદા કરવા માટેની તૈયારી બદલ ગુજરાતીઓવતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત અમેરિકામાં રહેતા ગુજરાતીઓ દ્વારા ગુજરાતને વિવિધ મદદ માટે કરાયેલા સૂચનના યોગ્ય સંકલન માટે મુખ્યપ્રધાન રૂપાણીએ વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ અમેરિકાથી ગુજરાતમાં વેક્સિન, ઓક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી.
![અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે વિજય રૂપાણીએ કોરોના અંગે યોજી ઈ-બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-09-usa-gujarati-vc-cm-photo-story-7204846_30042021170825_3004f_1619782705_398.jpg)
આ પણ વાંચોઃ 1 મેથી માત્ર 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે વેક્સિનઃ CM વિજય રૂપાણી
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતી બાબતે થઈ ચર્ચા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં સંભવત તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા-નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સંક્રમણ અટકાવવા મોટા શહેરની સાથે સાથે વધુ 29 શહેરમાં નાઈટ કરફ્યૂ, કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાજ્યમાં વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે વિશેષ અભિયાન તેમજ કોરોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્તમ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે દૈનિક પોણા બે લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
અમેરિકામાંથી કોરોનાની વેક્સિન સીધી ગુજરાતમાં ઉપલબ્ધ થાય
મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજારો સંજીવની રથ અને ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘરે બેઠા જ કોરોનાની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે હોસ્પિટલ ઉપરનું ભારણ ઘટી રહ્યું છે. “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” બને તે દિશામાં પણ આપણે ગામ લોકોના સહયોગથી આગળ વધી રહ્યા છીએ. આવા અનેકવિધ સંકલ્પોથી આપણે કોરોના મહામારીને હરાવવા એકબીજાના સહયોગથી આગળ વધીશું. ત્યારે આપણે ચોક્કસ આ સંકટમાંથી પણ જલદી બહાર આવીશું, સાથે જ અમેરિકામાંથી કોરોનાની વેક્સિન સીધી ગુજરાતમાં ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધવા મુખ્યપ્રધાન રૂપાણીએ નોર્થ અમેરિકા સ્થિતિ ગુજરાતીઓને અનુરોધ કર્યો હતો.
તમામ મેડિકલી સુવિધા આપવા ગુજરાતીઓ તૈયાર
કેલિફોર્નિયા સ્થિતિ GONAના ઉપક્રમે યોજાયેલી આ ઈ-બેઠકમાં ઉપસ્થિતિ તમામ અમેરિકન ગુજરાતીઓએ ગુજરાતને ઓક્સિજનની અછત દૂર કરવા, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, જરૂરી સંશાધનો, રેમડેસિવિર ઇન્જેક્શન, ફાઇઝર વેક્સિન સીધી ગુજરાતને ઉપલબ્ધ કરાવવી તેમજ CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ સહિતની જરૂરી તમામ મદદ કરીને આ કપરા સમયમાં માદરે વતનનું ઋણ અદા કરવાની તૈયારી દર્શાવી હતી.
બેઠકમાં અમેરીકાથી કોણ રહ્યા હાજર
આ ઈ-બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GONAના પ્રમુખ પ્રમોદ મિસ્ત્રી, TV એશિયાના ન્યૂજર્સીના ચેરમેન-CEO પદ્મશ્રી ડૉ. એચ. આર. શાહ, ઇન્ડિયા એસોસિએશન ઓફ લોસ એન્જલસના ઉપપ્રમુખ કનકસિંહ ઝાલા, GONAના ઉપપ્રમુખ અમિત પાઠક, ન્યૂયોર્ક સ્થિત અમનિલ ફાર્માસ્યુટિકલ્સના CO-CEO ચિન્ટુ પટેલ, ચિકાગો સ્થિત ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટરના ડૉ. ભરત બરાઈ, ભારતીય વિદ્યાભવન USAના ચેરમેન ડૉ. નવિન મહેતા, પેન્નસીલવાનીયાના ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિઠ્ઠલ ધડુક, લોસ એન્જલસ સ્થિત સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઇ શાહ, સુનિલ અગ્રવાલ તેમજ જન્મભૂમિ ગૃપના માનદ સંવાદદાતા રાજેન્દ્ર વોરા સહિત વિવિધ પેનલિસ્ટે કોરોના મહામારીમાં સહયોગ માટે સંવાદ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.