- ફેસબુક પર રાજીનામાની ઘોષણા કરી
- ભાજપના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યએ પહેલા રાજીનામું આપ્યું
- પેથાપુરના કિસાન મોરચાના મંત્રીએ પણ રાજીનામું આપ્યું
ગાંધીનગર : વિજયસિંહ રણજીતસિંહ વાઘેલાએ ભાજપના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે, જ્યારે પેથાપુર ભાજપના કિસાન મોરચાના મંત્રી ગિરીશસિંહ કાનસિંહ વાઘેલાએ પણ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. જો કે, તેમને આ અંગેનું કોઈ સ્પષ્ટ અને ચોક્કસ કારણ નથી આપ્યું. તેમને ફેસબુક પર તેની પોસ્ટ મૂકી રાજીનામું જાહેર કર્યું હતું.
હું સ્વેચ્છાપૂર્વક રાજીનામું આપી રહ્યો છું- વિજયસિંહ વાઘેલા
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, પેથાપુર પૂર્વ સરપંચ, પૂર્વ નગરપાલિકાના બે ટર્મ પ્રમુખ રણજીતસિંહ વાઘેલાના પુત્ર વિજયસિંહ રણજીતસિંહ વાઘેલાનું ભાજપમાંથી રાજીનામુ પડ્યું છે. આ રાજીનામા સાથે તેમને ફેસબુકમાં એ પણ જણાવ્યું હતું કે, હું સ્વેચ્છાપૂર્વક રાજીનામું આપી રહ્યો છું.
ગિરીશસિંહ કાનસિંહ વાઘેલાએ પણ આપ્યું રાજીનામું
પેથાપુર ભાજપના કિસાન મોરચાના મંત્રી તરીકે હું સ્વેચ્છાએ રાજીનામુ ઘોષિત કરું છું, તેમ ગિરીશસિંહ કાનસિંહ વાઘેલાએ પણ જણાવ્યું હતું. આ બન્નેએ સાથે એ પણ પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કામ માટે મારો સંપર્ક કરવો નહીં.