- સર્વાંગી વિકાસનું બજેટ
- 2 લાખ યુવાનોને આગામી પાંચ વર્ષમાં સરકારી અને અર્ધસરકારી સેકટરમાં નોકરી અપાશે
- દરેક વર્ગની યોજનોને સમાવતું બજેટ
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાણા પ્રધાન નિતીન પટેલે પ્રસ્તુત કરેલા રૂપિયા 2 લાખ 27 હજાર કરોડના વર્ષ 2021-2022ના બજેટને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી વિકાસનું બજેટ ગણાવ્યું છે. મુખ્યપ્રધાને આ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આ બજેટમાં ગરીબ ખેડૂત, યુવાન, મહિલા, આદિવાસી, પીડિત-શોષિત લોકોના ઉત્થાન, શિક્ષણ આરોગ્ય, કૃષિ, સિંચાઇ તેમજ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગો, ક્લાયમેન્ટ ચેન્જ જેવા તમામ ક્ષેત્રોને આવરી લઇને સર્વાંગી વિકાસ એટલે કે ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જનારું આ બજેટ છે.
આદિજાતિ વિકાસને અગ્રીમતા
મુખ્યપ્રધાને વનબંધુ કલ્યાણ યોજના અંગે જણાવ્યું છે કે, આદિવાસીઓને પણ મૂળ ધારામાં વિકાસના ફળનો અનુભવ થાય અને ભવિષ્યના પડકારો પણ ઝિલતા થાય તેનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનામાં આવનારા પાંચ વર્ષ માટે 1 લાખ કરોડ વનબંધુ કલ્યાણ યોજના– 2માં ફાળવવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામના સમગ્ર જિલ્લા અને તાલુકાના આદિજાતિ પટ્ટાના 90 લાખ વનબાંધવોને આનો લાભ મળવાનો છે.
દરિયાખેડુઓ માટે પણ યોજનાઓ
વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારા વિસ્તારમાં વસતા સાગર ખેડૂ માટે આ વર્ષે 50 હજાર કરોડથી વધુ રકમ સાથે સાગરખેડૂ કલ્યાણ યોજના-2 લાવ્યા છીએ. એટલું જ નહીં, આ સરકારે સામાજિક ઉત્થાન માટે એટલે કે દિવ્યાંગથી લઇને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન-જાતિ, ઓ.બી.સી આ તમામ વર્ગોના યુવાનોથી લઇને વૃદ્ધ પેશન સુધી તેમજ વિધવા પેન્શનથી માંડીને કુંવરબાઇનું મામેરું જેવી અનેક યોજના દ્વારા સામાજિક કલ્યાણ માટે આ બજેટમાં રૂપિયા ફાળવ્યાં છે.
શિક્ષા માટે સૌથી વધુ ફાળવણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, શિક્ષણ વિકાસનો પાયો છે. ત્યારે સરકારે રાજ્યના બાળકો, યુવા વિદ્યાર્થીઓને સમયની માંગ અનુરૂપ અદ્યત્તન શિક્ષણ આપવા સૌથી વધુ 32 હજાર કરોડ રૂપિયાની શિક્ષણ વિભાગ માટે ફાળવી છે. ગુજરાતના ભવિષ્યની પેઢી શિક્ષિત બનીને દુનિયાના પડકારોને ઝિલતી થાય એટલા માટે અદ્યતન શાળાઓ, કમ્પ્યુટરની વ્યવસ્થા એટલે કે આંગણવાડીથી લઇને પી.એચ.ડી કરનારા યુવાન સુધીના શિક્ષણ માટે ગુજરાત એક એજ્યુકેશનલ હબ બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. યુનિવર્સિટીઓ સક્ષમ હોય, શાળાઓ પણ સક્ષમ હોય અને શાળામાં અભ્યાસ કરતો બાળક એ વધુ તેજસ્વી બનીને ભવિષ્યના પડકારો ઝિલતો થાય તેની વ્યવસ્થા આ સરકારે કરી છે.
ગુજરાતની ઔધોગિક રાજ્ય તરીકેની ઓળખ યથાવત
મુખ્યપ્રધાને કહ્યું છે કે, આ બજેટમાં લદ્યુ ઉદ્યોગો, નવી જી.આઇ.ડી.સી, ટેક્ષટાઇલ એન્ડ ફાર્મા પાર્કસ, ટોયઝ પાર્ક જેવા નવા વિચારોને લઇને ઉદ્યોગોને વધુ પ્રોત્સહિત કરવામાં આવ્યા છે.
બજેટમાં ખેતી ઉપર વધુ ભાર
આ બજેટમાં ખેડૂતો માટે કૃષિ-ખેડૂત કલ્યાણ માટે 7232 કરોડ તેમજ સાત પગલાં કૃષિ કલ્યાણનાં યોજના અને બિયારણ માટે પણ ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. છેલ્લા અઢી દાયકામાં ખેડૂતોના વીજળી દરમાં એક પણ પૈસાનો વધારો નથી કર્યો. આ બજેટમાં સરકારે ખેડૂતોની વધારે ચિંતા કરીને ખેડૂતોની વીજળીની સબસિડી માટે પણ જોગવાઇ કરવામાં આવી છે. આ બજેટમાં વાવેતરથી લઇને વેચાણ સુધીની ચિંતા કરવામાં આવી છે. એટલું જ નહીં, નવા કૃષિ વીજ જોડાણો આપવા માટે રૂ. 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘દિવસે કામ રાત્રે વિશ્રામ’ના સુત્રને સાર્થક કરતા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડતી કિસાન સુર્યોદય યોજના માટે પણ વિશેષ પૈસા ફાળવીને ખેડૂતોની ચિંતા આ બજેટમાં કરી છે. બાગાયત ખેતી તેમજ ઔષધિ ખેતીમાં પણ ગુજરાત આગળ વધે તે માટે બજેટમાં નવી જોગવાઇ કરવામાં આવી છ.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા 07 હજાર કરોડ ફાળવાયા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગાંધીજી અને સરદારના આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સાડા 07 હજાર કરોડ રૂપિયા પોલીસ, અદ્યતન સાધનો, સી.સી.ટી.વી. કેમેરા, સાયબર ક્રાઇમ સામેની વ્યવસ્થા, એન્ટી કરપ્શન બ્યૂરો મજબૂત કરવા માટે પણ પૂરતા પૈસા ફાળવીને આ સરકાર કામ કરી રહી છે.