- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 427 પોઝિટિવ કેસ
- ત્રીજા તબક્કામાં પ્રથમ દિવસે 61,254 લોકોને વેક્સિન અપાઈ
- કુલ 8,83,601 લોકોનું રસીકરણ કરાયું
ગાંધીનગર : દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી, પરંતુ સરકારના કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતના કોરોના ગાઇડલાઇનનો ઉલ્લંઘન થયો છે. તેને ધ્યાનમાં લઈએ તો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.આમ છેલ્લા 24 કલાકમાં કુલ 427 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.47 ટકા નોંધાયો છે.
કોરોના વેક્સિનેશનની કામગીરી
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,83,601 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 1,89,624 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે ત્રીજા તબક્કાના રસીકરણનો શુભ આરંભ થતા સિનિયર સિટીઝનનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સોમવારે સમગ્ર રાજ્યમાં પ્રથમ દિવસે 61,254 સિનિયર સિટીઝનને રસીકરણ કરાયું છે. આમ સમગ્ર રાજ્યમાં 1345 કેન્દ્ર પર રસીકરણ યોજાયું હતું.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2429 એક્ટિવ કેસ છે. જેમાં 35 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે. 2394 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાસુધીમાં કુલ 2,63,475 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4411 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 96 નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 73, રાજકોટમાં 44 અને સુરતમાં 61 પોઝિટિવ કેસ નોંધાયા છે.