મળતી માહિતી મુજબ સરગાસણ ચોકડી પાસે આવેલા હડમતીયા વિસ્તારમાં આવેલી સાયોના હાઇટ્સમાં બ્લોક નંબર 304માં પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા મિતેશભાઇ પ્રજાપતિ રહે છે. 6 જાન્યુઆરીના સોમવારના રોજ મિતેશભાઈ સેક્ટર 11માં આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ ઉપર ગયા હતા. જ્યારે તેમના પત્ની અને એક બાળક એપોલો હોસ્પિટલમાં રિપોર્ટ લેવા માટે ગયા હતા. બીજો બાળક કોલેજમાં ગયો હતો. જ્યારે તેમના માતા કથા સાંભળવા માટે હડમતીયામાં ગયા હતા. તે દરમિયાન બપોરે 4થી 5 વાગ્યાના અરસામાં બંધ રહેલા મકાનની નંબર વગરની i20 કારમાં આવેલા ચારથી પાંચ જેટલા શખ્સો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
બાજુનાં બ્લોકમાં રહેનારે મકાનની અંદર લાઈટ ચાલુ જોતા તપાસ કરવા પહોંચ્યા હતા. મકાનની અંદર પ્રવેશ કરે તે પહેલા જ મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળતા તેમને તાત્કાલિક મિતેશભાઇને ફોન કર્યો હતો. ત્યારબાદ મકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઇને મકાનમાંથી એક લાખ રૂપિયા રોકડા અને આશરે ચાર લાખ રૂપિયાના 12 તોલા દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાવી હતી.
સરગાસણ વિસ્તારમાં અને વાવોલ વિસ્તારમાં ઇકો કાર લઈને ચોરી કરનાર ગેંગ હજુ પકડમાં આવી નથી. ત્યારે હવે i20 કારમાં ફરીથી ધોળા દિવસે તસ્કરો દ્વારા આ વિસ્તારને ધરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં એકલા મકાન રાખવા પણ મુશ્કેલ ભર્યુ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારની સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.