ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં સોલાર પાવર પોલીસી બાબતે આજે બુધવારે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં સોલાર પાવર પોલીસી 2015ને આગામી 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
આ બાબતે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-2015ને તારીખ 31મી ડિસેમ્બર-2020 સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિશ્વવ્યાપી કોરોના-કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં રાજ્ય સરકારે વિવિધ પોલિસીઓને મૂળ સ્વરૂપમાં અવધિ લંબાવવા રૂપિયા 14 હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે જાહેરાત કરેલી છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની સોલાર પાવર પોલિસી-2015ની મુદત પણ તારીખ 31 માર્ચ-2020ના પૂર્ણ થઇ હતી તેને આગામી તારીખ 31 ડિસેમ્બર-2020 સુધી લંબાવવામાં આવી છે. સોલાર પાવર પોલિસી-2015ની આ સમયાવધિ લંબાવવાને પરિણામે હવે રાજ્યના સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર્સ કેપ્ટીવ પાવર પ્રોજેકટ, થર્ડ પાર્ટી સેલ માટેના સોલાર પાવર પ્રોજેકટ તેમજ MSME એકમો, ઔદ્યોગિક, વાણિજ્યીક હેતુ અને સરકારી કચેરીઓ, મકાનો પરના રૂફટોપ સોલાર પાવર પ્રોજેકટ વગેરે સ્થાપિત કરી શકશે.
ગુજરાત દેશભરમાં સોલાર પાવર જનરેશનમાં અગ્રીમ હરોળનું રાજ્ય છે. તેમજ 10,711 મેગાવોટની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સામે 3057 મેગાવોટ ક્ષમતા પૂર્ણ કરી છે. દેશમાં કલીન-ગ્રીન એનર્જીના ઉત્પાદન અને વ્યાપને પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમ અન્વયે 2022 સુધીમાં ગુજરાતમાં 8 હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક પાર પાડવામાં આ સોલાર પોલિસીની લંબાવવામાં આવેલી સમયાવધિ નવું બળ પુરૂં પાડશે.