રાજ્યમાં તહેવારો દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓનું જે વેચાણ થાય છે, તેમાં પણ માટીની મૂર્તિઓના વેચાણને પ્રાધાન્ય અપાશે. પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટર ઓફ પેરીસ (POP)ની મૂર્તિઓ પર આગામી સમયમાં પ્રતિબંધ મુકવાની પણ રાજ્ય સરકારની વિચારણા છે. જેના પરિણામે પર્યાવરણનું જતન થશે. સાથે જ ગામડામાં રોજગારીનું સર્જન થશે અને લોકોનું જીવનધોરણ ઉંચું આવશે. માટીકલાના કારીગરો આજના સમય મુજબ ઘર વપરાશની અદ્યતન માટીની વસ્તુઓ જેવી કે રેફ્રીજરેટર, કુકર, પાણીની બોટલો, ભોજનની થાળી સહિતની સુંદર મજાની બનાવતા થયા છે.
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિએ કહ્યુ કે, વર્ષ-1979માં સર્વિસ ઇન્સ્ટિટયુટ તરીકે સ્થાપવામાં આવેલી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનનો મુખ્ય અભિગમ ગ્રામ વિકાસમાં સમુચિત ટેકનોલોજી તથા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું સંકલન કરી ગ્રામ કારીગરો તથા કુટીર ઉદ્યોગના વિકાસ દ્વારા ગ્રામ વિકાસની પ્રક્રિયાને વેગીલી બનાવવાનો છે. હાલમાં દર વર્ષે આ સંસ્થાન દ્વારા અલગ અલગ 13 પ્રકારના સ્વરોજગારીલક્ષી વ્યવસાયમાં અંદાજીત 14 હજાર જેટલા યુવક-યુવતીઓને માસિક રૂપિયા1500ના સ્ટાઇપેન્ડ સાથે વિનામૂલ્યે ઘર આંગણે તાલીમ આપવામાં આવે છે.
માટીકામ કરનાર એક હજાર જેટલા કારીગરોને કૌશલ્ય અને રૂપિયા 3 હજારની મર્યાદામાં માટીકામ વ્યવસાયની ટુલકીટ આપવામાં આવે છે. દર વર્ષે 400થી વધુ માટીકામ કરતા પ્રજાપતિ ભાઇ-બહેનોને 75 ટકા સબસીડીથી માટીકામની આધુનિક પગમીલ અને ઇલેકટ્રીક ચોક આપવામાં આવે છે. 100 ટકા સબસીડીથી ઊર્જા કાર્યક્ષમ ભઠ્ઠી બાંધી આપવામાં આવે છે. જે અંતર્ગત 380 ભઠ્ઠીના બાંધકામ દ્વારા કુલ 1520 કુટુંબોને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ઉપરાંત માટી મુર્તિકારો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહન યોજના અન્વયે માટીની મૂર્તિના વેચાણ પ્રોત્સાહન માટે 1 ફૂટથી 9 ફૂટ સુધીની મૂર્તિઓ માટે વધુમાં વધુ 50 હજાર સુધીની વાર્ષિક મર્યાદામાં કુટુંબદીઠ વેચાણ તથા 50 ટકા સબસીડાઇઝડ રેટથી માટી કારીગરોને સબસીડી પુરી પાડવામાં આવી રહી છે.
આ વર્ષે 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે માટીમૂર્તિ મેળાના આયોજનમાં 438 જેટલા મૂર્તિકારોને વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા. માટીની મુર્તિઓની સ્વિકૃતીમાં મોટા પાયે જાગૃતિ ઉભી થતા વર્ષ 2019-20માં POPની મૂર્તિની માગમાં 50થી 75 ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં 3846 કારીગરોને વિના મૂલ્યે માટીની મૂર્તિ બનાવવાની તાલીમ અને ટુલકીટ આપવામાં આવી છે. તે ઉપરાંત મૂર્તિ મેળામાં 1889 કારીગરોને વિના મૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવી રૂપિયા 12.98 કરોડની માટીની મૂર્તિના વેચાણની સિદ્ધિ મેળવવામાં આવી છે. તો બીજી તરફ વેચાણ પ્રોત્સાહન યોજના અન્વયે મૂર્તિકારોને કુલ રૂપિયા142 લાખની વેચાણ સબસીડી ચૂકવવામાં આવી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના કાર્યકરો હાજર રહ્યા હતા.