- સરકારે જાહેર કરેલી ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના પેમેન્ટની કામગીરી પ્રગતિમાં: નીતિન પટેલ
- રાજ્યમાં ડોકટરોની અછત મુદ્દે વિધાનસભામાં સરકારને ઘેરવાનો પ્રયાસ
- કોરોના બિલ બાકી હોવાનું સામે આવ્યું
- બિલ ચૂકવણી કાર્યરત હોવાનું નીતિન પટેલનું નિવેદન
- વધારે પગાર આપીને સેવા લેવામાં આવશે
ગાંધીનગર: રાજ્યની સરકારી જનરલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાતોની ખાલી જગ્યા અંગે આરોગ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ જગ્યાઓ ભરવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ તબીબો સરકારી સેવા કરતા ખાનગી પ્રેક્ટિસ વધુ કરી રહ્યાં છે. આમ છતાં કોરોના જેવી ગંભીર બીમારી સમયે પ્રેક્ટિસ કરતા તબીબોને પ્રેક્ટિસ સાથે 85 હજાર તેમજ કાયમી માટે 1.25 લાખ સુધીની ઓફર કરવામાં આવી હતી. સાથોસાથ આયુષ ડોકટર્સને રૂ ૩૦ હજાર ચૂકવીને રાજ્યના દર્દીઓને સારવારમાં કચાશ ન રહે તેની તકેદારી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં બાળ નિષ્ણાંત તબીબોની અછત: સરકારે જવાબ આપ્યો કે ડોક્ટરો જ નથી મળતા
5500 મેડિકલ બેઠકો ગુજરાતમાં છે
ગુજરાતને વધુ તબીબો મળી રહે તે માટે વધુ મેડિકલ કોલેજો ઊભી કરવાનો નિર્ણય લેવાતા 5500 જેટલી મેડિકલ બેઠકો ગુજરાતમાં છે. તેથી આવનારા દિવસોમાં સરકાર હસ્તકની હોસ્પિટલોમાં વધુ તબીબો મળશે તેવી આશા નીતિન પટેલે વ્યક્ત કરી છે.
સરકારે જાહેર કરેલી ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના બિલોની યોગ્ય ચકાસણી બાદ નિયમોનુસાર ચૂકવણી કરાશે
કોરોનાકાળમાં રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ હોસ્પિટલો જાહેર કરી હતી અને જ્યાં વધુ જરૂર પડે ત્યાં ખાનગી/ટ્રસ્ટની હોસ્પિટલોને પણ ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ હતી. આવી ખાનગી-ટ્રસ્ટની હોસ્પિટલોના બિલોની ચુકવણીની કામગીરી પ્રગતિમાં છે. બિલોની યોગ્ય ચકાસણી બાદ નિયમોનુસાર ચૂકવણી કરાશે. રાજકોટ અને પોરબંદર બન્ને જિલ્લાઓમાં બે ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે. જેમાં 150 દર્દીઓને સરકારી ક્વોટામાં અનામત બેડની જોગવાઈ કરાઇ હતી. જેમાં રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં 50 બેડ તથા પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં 100 બેડની સંખ્યા નિયત કરાઈ હતી. આ બંને હોસ્પિટલોને 9.09 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ અંગે બિલોની ચૂકવણી જિલ્લામાંથી અહેવાલ મળ્યા બાદ નિયમોનુસાર ચકાસણી કરી ચૂકવવાપાત્ર રકમના પેમેન્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાત બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે શું છે જોગવાઈ?
આઈસોલેશન બેડ સહિતની સારવાર પૂરી પાડવામાં આવે છે
વિધાનસભા ખાતે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં કોરોના મહામારી અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્યા પ્રધાન નીતિન પટેલે જણઆવ્યું હતુ કે, કોરોનાનું સંક્રમણ અન્ય દર્દીઓમાં ન ફેલાઇ તે માટે આવી ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. જેમાં આઈસોલેશન બેડ, આઈસોલેશન તેમજ HDU અને આઈસોલેશન તેમજ ICU વેન્ટિલેટર સહિતની સારવાર આવી હોસ્પિટલોમાં પૂરી પાડવામાં આવે છે.