- 65 વર્ષથી ચાલી રહ્યો છે જમીન પર વિવાદ
- હજુ સુધી નથી આવ્યો કોઈ નક્કર નિર્ણય
- ઉદયપુર અને સાબરકાંઠાના કલેક્ટરે કરી છે અનેક વખત બેઠકો
- જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઉદયપુર કલેક્ટર આવ્યા હતા ગુજરાત
ગાંધીનગર : ગુજરાત અને રાજસ્થાન વચ્ચે છેલ્લા 65 વર્ષથી વધુના સમયગાળાથી ચાલતો જમીનની વિવાદ હજી સુધી પૂર્ણ થયો નથી. ત્યારે આ વિવાદનો ક્યારે અંત આવશે, તે હજી સુધી ચોક્કસ કારણ પણ સામે આવી રહ્યા નથી. ત્યારે છેલ્લાં 65 વર્ષથી 200 વીઘા જેટલી જમીન કોના હસ્તકની છે તે બાબતે ઉદયપુર કલેક્ટર અને સાબરકાંઠા કલેક્ટર વચ્ચે અનેક વખત બેઠકો યોજાઈ હોવા છતાં પણ જમીન કયા રાજ્યના હસ્તક જશે તે બાબતે કોઈ નિર્ણય આવ્યો નથી.
જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઉદયપુર કલેકટર આવ્યા હતા ગુજરાત
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, જુલાઇના પ્રથમ સપ્તાહમાં ઉદયપુરના કલેક્ટર અને તેમના જમીન મહેસૂલ વિભાગના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. સાથે જ જે ગામમાં આ વિવાદ ચાલી રહ્યો છે. તે બાબતે પણ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી. જ્યારે અગાઉ પણ સાબરકાંઠાના કલેક્ટર તેમની ટીમને લઇને ઉદયપુર ગયા હતા અને ત્યાં પણ બે વખત બેઠક કરી હોવાનું સામે આવ્યું છે. આમ અનેક બેઠકો થઈ હોવા છતાં પણ જમીન વિવાદનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
ક્યારે આવશે જમીન વિવાદનો ઉકેલ
સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉદયપુરના કલેક્ટર જુલાઇના પ્રથમ સપ્તાહમાં આવીને બેઠક પૂર્ણ કરી છે. જ્યારે સાબરકાંઠાના જિલ્લા કલેક્ટર અને તેમની ટીમ દ્વારા પણ ઉદયપુરમાં જઈને બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ત્યારે હવે બેઠકના અંતે એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, જમીનની સેટેલાઈટ માપણી કર્યા બાદ આ જમીનનો વિવાદ પૂરો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ગુજરાતમાં ભાજપ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર
છેલ્લા 5 વર્ષથી વધુ સમયગાળાથી વિવાદિત જમીનનો નિર્ણય હવે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારના હસ્તક રહેશે. ત્યારે રાજ્ય સરકારની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ સરકાર અને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે. ત્યારે બંને વિરોધી સરકારો કઈ રીતનો નિર્ણય કરશે તે પણ જોવું રહ્યું ?
જમીન પર ખેતી યથાવત
સાબરકાંઠા અને ઉદયપુર વિસ્તારમાં આવેલી આ જમીનના મામલામાં ખેડૂતો દ્વારા અત્યારે ખેતી પણ કાર્યરત રાખવામાં આવી છે, પરંતુ જમીનની વાત કરવામાં આવે તો આ જમીન કોની અને કયા રાજ્ય સરકારના હતો કે આવશે તે બાબતનો નિર્ણય હવે સેટેલાઈટ માપણી કર્યા બાદ જ નક્કી કરવામાં આવશે. આમ, સાબરકાંઠાના 6થી 7 જેટલા ગ્રામ્ય વિસ્તારોનું છેલ્લાં 65 વર્ષથી જમીનના પ્રશ્નોનું નિરાકરણ હવે ટૂંક સમયમાં થાય તેવું પણ સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.