રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં જે ગેરકાયદેસર આરોગ્ય કાર્ડ ઇસ્યુ થયા છે, તે રાજ્ય સરકાર સમક્ષ જૂન મહિનામાં સામે આવ્યું હતું. જેને લઇને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ કલેક્ટરોને જાણકારી આપીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જે તે સમયે જે ક્ષતીવાડા કાર્ડ સામે આવ્યાં તેને ત્વરિત રદ કરવામાં આવ્યાં હતા. જેમાં અત્યારસુધીમાં 15 હજાર જેટલા કાર્ડ રદ કરવામાં આવ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આ અંગે રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર પત્ર વ્યવહાર કરે તે પહેલા જ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, એક પરિવારમાંથી ફક્ત 5 વ્યક્તિઓને જ આરોગ્ય કાર્ડ મળી શકે છે. જેથી ખોટી રીતે 5થી વધુ કાર્ડ મેળવનારા તમામ લોકોના કાર્ડ રદ કરવામાં આવ્યા છે.
આમ રાજ્ય સરકારે તમામ કલેક્ટરોને આ અંગેની તપાસ સોંપી હતી અને જે તે જગ્યા ઉપર આવા બોગસ કાર્ડ ઇસ્યુ થયા હતા, ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવીને પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ, વડોદરા, સુરત ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સાથે જો લોકોએ ખોટી રીતે આવકનો દાખલો જમા કરાવ્યો હશે, તો તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે.