- 4200 ગ્રેડ પે બાબતે સરકાર વિરુદ્ધ શિક્ષકોના ધરણાં
- સરકારે બેઠક બાદ હજુ સુધી નથી કર્યો પરિપત્ર
- 65,000થી વધુ શિક્ષકોને આર્થિક નુકસાન
- સરકાર પરિપત્ર નહીં કરે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગર: ગ્રેડ પેને લઈને શિક્ષકોએ રાજ્ય સરકાર સાથે અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે અનેક વખત વાટાઘાટો અને બેઠકો યોજી છે. બેઠકો બાદ સરકારે પહેલાં જે પરિપત્ર જાહેર કર્યો હતો તેને પણ વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ 4200 ગ્રેડ પે શિક્ષકોને મળે તે માટે સરકાર નવો પરિપત્ર જાહેર કરશે તેવી પણ જાહેરાત અગાઉ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી છે, પરંતુ અનેક મહિનાઓ વીતી ગયા હોવા છતાં પણ રાજ્ય સરકારે પરિપત્ર ન કરતા શિક્ષકોએ આજે મંગળવારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
સરકારી સોશિયલ મીડિયામાં-પત્રકાર પરિષદ દરમિયાન 4200 ગ્રેડ પેનો ચલાવવામાં આવે છે મારો
રાજ્ય સરકારના કેબિનેટ કક્ષા અથવા તો રાજ્યકક્ષાના પ્રધાનો ગમે ત્યારે પત્રકાર પરિષદ યોજે છે, ત્યારે તે પોતાના સોશિયલ મીડિયામાં પત્રકાર પરિષદ લાઈવ કરતા હોય છે. આ સમય દરમિયાન શિક્ષકો પોતાનો રોષ ઠાલવવા માટે જે-તે પ્રધાનના સોશિયલ એકાઉન્ટમાં 4200 ગ્રેડ પે આપો નામની કોમેન્ટ કરીને એક ખાસ અભિયાન પણ ચલાવે છે. આમ રાજ્ય સરકારને ચારેતરફથી શિક્ષકો 42 ગ્રેડ પે મુદ્દે ઘેરી રહ્યાં હોવાની વાત પણ સામે આવી રહી છે.
હવે જેલ ભરો આંદોલન થશે
સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર પોલીસ શિક્ષકોની અટકાયત કરી હતી, ત્યારે શિક્ષકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવો પરિપત્ર જાહેર કરાશે નહીં તો ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે. રાજ્યમાં કુલ 5,000થી વધુ શિક્ષકોને લાગતો આ પ્રશ્ન હજુ સુધી સરકારે ઉકેલ લાવી નથી, ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જેલ ભરો આંદોલન શરૂ થશે તેવી પણ ચીમકી શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.