- સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ
- સૌરાષ્ટ્રના રાજવીઓની 17 સંસ્થાના પ્રતિનિધિઓએ સીએમ રૂપાણીનું સન્માન કર્યુ
- રાજવી સભ્યોના પરિજનોની કમિટીમાં નિમણૂક અંગે સરકાર વિચારણા કરશે
ગાંધીનગર: દેશની આઝાદી પછીના સમયકાળમાં અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલના સફળ પ્રયત્નો અને પ્રેરણાથી પોતાના રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરનારા 562 રાજા-રજવાડાઓના ગૌરવપૂર્ણ ઈતિહાસને આવનારી પેઢીઓ સુધી અકબંધ રાખવાના હેતુથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર કેવડીયામાં ભવ્ય મ્યુઝિયમ નિર્માણના કરેલા નિર્ણય અંગે સૌરાષ્ટ્રના રાજવીઓના પરિવારજનોએ આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીનો આભાર વ્યકત કરી સન્માન કર્યુ હતું.
સીએમ રૂપાણીએ રાજવીઓની સમર્પણ ભાવનાને બિરદાવતાં કહ્યું કે, પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા રજવાડાઓને ભારત દેશની અખંડિતતા માટે તે સૌએ સમર્પિત કર્યા તે ખુબ જ સરાહનીય છે. 562 રજવાડાઓનો ઈતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનારી પેઢીઓ માટે આ મ્યૂઝિયમના માધ્યમથી પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજવી સભ્યોના પરિજનોની કમિટીમાં નિમણૂક અંગે સરકાર વિચારણા કરશે
ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમના નિર્માણ માટેની કમિટીમાં રાજવી પરિવારના સભ્યોની નિમણૂક કરવા અંગે પણ સરકાર યોગ્ય વિચાર કરશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ મ્યુઝિયમનું નિર્માણ થતાં રાષ્ટ્રીય એકતાની ભાવના વધારે દ્રઢ બનશે તેવો વિશ્વાસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. સાથે જ મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકાર કેવડીયાને સંપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવી રહી છે.
રજવાડાઓનો વારસો જળવાઈ રહેશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ થનારા આ મ્યુઝિયમમાં દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. સૌરાષ્ટ્રના રાજવીઓની વિવિધ 17 સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સીએમ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.