ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોના વાઈરસ કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ ક્લિનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા 100થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ટ્રાયલ શરૂ કરવા CM રૂપાણીએ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જેમાં ગણતરીની મિનિટોમાં જ ગુજરાત ને મંજૂરી આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા CM વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રજૂઆત કરી હતી. CMની રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતા ભારત સરકારે ગુજરાતમાં આ સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી છે. આ હેતુસર, રાજ્યની બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપી દીધી છે. ત્યાં કોવિડ-19 દર્દીઓના રજિસ્ટ્રેશન ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે.
રાજ્યની વધુ 4 હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી-વડોદરા, ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ માટે પણ આવી અનુમતિ મેળવવાની કાર્યવાહી રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે.
આ સપ્તાહમાં જ આવી અનુમતિ ભારત સરકાર તરફથી મળતાં જ આ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 દર્દીઓના રજિસ્ટ્રેશન કરીને 4 જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ –સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે જે 4 દવાઓના આવા પરિક્ષણ-ટ્રાયલ થવાના છે, તેમાં Remdesivir, Lopinavir, Interferon (beta 1 a) અને hydroxychloroquine અથવા Chloroquineનો સમાવેશ થાય છે. આ પ્રયોગો-ટ્રાયલને પરિણામે કોવિડ-19 રોગ સામે ઝડપથી અસરકર્તા દવા મળી રહેશે.