- ગાંધીનગરમાં નિવૃત્ત વિંગ કમાન્ડરના ઘરે ચોરી
- વિંગ કમાન્ડર દિલ્હી ગયા તે વખતે થઈ ચોરી
- તસ્કરો રૂ. 18.18 લાખનો માલ લઈ થયા ફરાર
- વિંગ કમાન્ડર 21 ઓક્ટોબરે ગયા હતા દિલ્હી
ગાંધીનગરઃ આ અંગેની મળતી માહિતી અનુસાર, સેક્ટર- 8 બી પ્લોટ નંબર- 91માં રહેતા મનોજ પ્રકાશચંદ્ર મિત્તલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, તે પોતાની દીકરી અને પત્ની સાથે વસવાટ કરે છે. ત્યારે 21 ઑક્ટોબરે દિલ્હીમાં રહેતા તેમના પુત્રના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાથી ગાંધીનગરના મકાનને તાળું મારીને નીકળ્યા હતા. જ્યારે 1 નવેમ્બરે તેઓ પરિવાર સાથે પરત આવ્યા હતા. જ્યારે તેઓ ગાંધીનગરના ઘરે પરત આવ્યા અને ઘરમાં મુખ્ય દરવાજાનું તાળું ખોલીને પ્રવેશ કરીને અંદર જતા તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત જોવા મળી હતી, જેમાં ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ મળી રૂ. 18.18 લાખની માલમત્તાની ચોરી થયા હોવાનું સામે આવ્યું છે.
મકાનમાંથી થયેલી ચોરીમાં રૂ. 1.5 લાખનું સોનાનું મંગળસૂત્ર, રૂ. 1.30 લાખની સોનાની 3 વીંટી, રૂ. 2 લાખની હનુમાનજીના પેંડલવાળી સોનાની ચેન, રૂ. 2 લાખની સોનાની 4 બંગળી, રૂ. 2 લાખની સોનાની 4 બંગળી, રૂ. 2.25 લાખનો સોનાનો હાર, રૂ. 60 હજારની અમેરિકન ડાયમંડવાળી સોનાની ચેનનો સમાવેશ થાય છે. આ બનાવને લઈને સેક્ટર- 7 પોલીસની ટીમ દ્વારા તાબડતોડ તસ્કરોને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટુકડીઓ બનાવીને સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ પ્રકારના બંધ મકાનોને ટાર્ગેટ કરવામાં ન આવે તે માટે દિવાળીના તહેવારમાં ખાસ એક્શન પ્લાન બનાવીને પણ કાર્યવાહી હાથ ધરી હતી.