ગાંધીનગર: કોઈપણ ગામના પાદરે જઈએ ત્યારે પીવાના પાણીની પરબ તો હોય જ છે. જો ગામ સુખી સમૃદ્ધ હોય તો વોટર કુલર હોય અને સામાન્ય ગામ હોય તો પાણીના માટલા તો હોય જ છે. આ એક સર્વ સામાન્ય સુવિધા છે, પરંતુ હવે કોરોનાની હાલની સ્થિતિમાં દરેક ગામમાં પાણીના પરબની સાથે સાથે હેન્ડ વોશિંગ સ્ટેશનની પણ સુવિધા રાખવી અનિવાર્ય બની ગઈ છે. જેના થકી ગામમાં પ્રવેશતાની સાથે જ નાગરિકો સાબુથી પોતાના હાથ ધોઈને કોરોના સંક્રમણને આગળ ફેલાતું અટકાવી શકે.
દેશના સ્માર્ટ વિલેજની યાદીમાં સ્થાન ધરાવતા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. પુંસરીના સરપંચ હિમાંશુ પટેલએ કહ્યુ કે, કોરોનાનાં સંક્રમણથી બચવા કેટલીક આદતો સુધારવી પડશે. જેમાં વારંવાર હાથ ધોવાની ટેવ આપણને હંમેશા કોરોના મુક્ત રાખશે. પુંસરી ગામમાં જનહિતમાં અમે એક નિયમ કરી લીધો છે કે, દુકાનમાં ખરીદી કરવા આવો તે પહેલાં સાબુથી હાથ ધુવે, પછી જ સામાન મળે. તે માટે અમે 'પહેલા ધોવો હાથ, પછી કરો વાત' સૂત્ર અપનાવી લીધું છે. એટલું જ નહીં ગામમાં ડેરી, બેન્ક, આરોગ્ય કેન્દ્ર, સસ્તા અનાજની દુકાન, પંચાયત અને મોટી-મોટી દુકાનો સહિત 12 જેટલા મુખ્ય મથક ઉપર હેન્ડ વોશિંગ સ્ટેશન બનાવી દેવાયા છે કે જ્યાં પબ્લિક ડીલિંગ વધુ છે. આગામી દિવસોમાં લોકભાગીદારીથી ગામના વધુ 20 ફળિયામાં આવા હેન્ડ વોશિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક ગામોમાં કોવિડ-19 સંક્રમણને અટકાવવા હેન્ડ વોશિંગ સ્ટેશનો ઉભા કરવા જરૂરી રોડમેપ તૈયાર કરી દેવાયો છે. આ હેન્ડ વોશિંગ સ્ટેશનો એવી જગ્યાએ ઉપલબ્ધ કરાવાશે, જ્યાં વધુને વધુ લોકો તેનો વપરાશ કરી શકે. પ્રથમ તબક્કામાં તાલુકા દીઠ 10 ગામોની પસંદગી કરી તેમાં હેન્ડ વોશિંગ સ્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે.