ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખંભાત બાબતે ગૃહમાં 116ની નોટિસ આપીને ખાસ ચર્ચા કરી હતી. જેમાં ખંભાતની હિંસાની ચર્ચા દરમિયાન અમદાવાદની હિંસાનો મુદ્દો પણ ચર્ચાયો છે. જેમાં ગ્યાસુદ્દીન શેખ દ્વારા ગૃહમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદમાં 4 જગ્યાએ CAAનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ ક્યારેય ટેકો નહીં આપે તે સમયે પ્રદિપસિંહ જાડેજાએ ત્વરિત જવાબ આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં થયેલી હિંસા પણ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી. જેથી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહ સમક્ષ ઊભા થઇને પ્રદિપસિંહ જાડેજાને કહ્યું હતું કે, અમદાવાદમાં થયેલી હિંસામાં જો કોઈ હાથ હોય અથવા તો જો કોઈ ફોટો હોય કે તેઓ પથ્થર મારતાં હોય તેવા કોઈ પૂરાવા લઈને આવે તો અમે તેને ફાંસીએ ચઢાવવા તૈયાર છીએ.
ત્યારબાદ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લકી રેસ્ટોરન્ટ પાસે AMTSના કાચ કોણે તોડ્યાં તેવા પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યાં હતાં.
વિધાનસભા ગૃહમાં ખંભાતની હિંસા સાથે અમદાવાદની હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જ્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું હતું કે, અમે પ્રબળ ઈચ્છાશક્તિના આધારે રાજનીતિ કરીએ છીએ. જેણે ષડયંત્ર કર્યું હોય તેના ફોટા ન હોય. આ ઉપરાંત પોલીસ પાસે ક્ષમતા છે. એક લાખ પોલીસ રાજ્યની 6.50 કરોડ જનતાની શાંતિ સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે.