- અત્યાર સુધી RTE અંતર્ગત 10,000થી વધુ અરજીઓ આવી
- રાજ્યમાં ગરીબ વિધાર્થીઓ માટે પણ ટીવી શિક્ષણ કાર્યરત
- ડી.ડી. ગિરનાર અને બાયસેગના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે
ગાંધીનગર : રાજ્યમાં દરેક બાળકોને શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE Act) અંતર્ગત એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં 10,000 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ડી.ડી. ગિરનાર અને બાયસેગના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે RTE માં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ માટે ડી.ડી. ગિરનાર (DD Girnar) અને બાયસેગ (BISAG) પર શિક્ષણ આપવામાં આવશે.
જેમની પાસે મોબાઈલ નથી, તેમને ઘરે જઈને ભણાવે છે શિક્ષકો
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કે એવી જગ્યાઓ પર જ્યાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે મોબાઇલ ન હોય, તેવી પરિસ્થિતિમાં શિક્ષકો દ્વારા અમુક દિવસોના અંતરે તેમના ઘરે જઈને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા જે-તે ધોરણના પુસ્તક આપીને આવનારા દિવસોનું શિક્ષણ પણ આપી દેવામાં આવે છે અને ડી.ડી. ગિરનાર (DD Girnar) પર ક્યા ધોરણનું કઈ તારીખે અને કેટલા વાગે શિક્ષણ આપવામાં આવશે ? તેનું પણ ટાઈમટેબલ પણ આપવામાં આવે છે.
ખાનગી શાળામાં બાળકોને લિંક આપવામાં આવે છે
ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓને મોબાઈલ પર લિંક આપવામાં આવે છે. જેથી બાળક ગમે ત્યારે પોતાના સમય પ્રમાણે અભ્યાસ કરી શકે. જ્યારે ઓનલાઈન શિક્ષણ (Online Teaching) બાદ પૂરક પરીક્ષા માટેના પ્રશ્નપત્રો પણ વાલીઓને આપવામાં આવે છે. જે સમયસર પેપર લખીને શાળામાં જમા કરવાની સિસ્ટમ પણ કાર્યરત છે. આ પૂરક પરીક્ષાના આધારે બાળકોના ગુણ નક્કી કરવામાં આવે છે.
ગત વર્ષની RTEની વિગતો
ગત વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE Act) અંતર્ગત એડમિશન મેળવવા 23,851 વાલીઓએ અરજી કરી હતી. જે પૈકી 16,519 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જ્યારે, 3302 અરજીઓ નામંજૂર અને 4040 અરજીઓ રદ્દ કરવામાં આવી હતી. આવકનો દાખલો કે કોઈ પણ પેપર વર્ક ખોટું હોવાથી આ 4040 અરજીઓ રદ્દ કરવામાં આવી હતી.