શહેરમાં ચોરીના બનાવ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ફાર્મ હાઉસ, બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવે છે. શહેરમાં મોટાભાગના લોકો અન્ય જિલ્લાના હોવાના કારણે દિવાળી વેકેશન દરમિયાન વતન જતા હોય છે. આ સમયે ખાલી પડેલા મકાનમાં તસ્કરો ત્રાટકતાં હોય છે. દિવાળીના તહેવારોમાં ચોરીના બનાવ અટકાવવા માટે તમામ પોલીસ સ્ટેશનના PIને પેટ્રોલિંગ ઉપર ખાસ ધ્યાન આપવા સૂચન કરાયું હતું. સાઇબર કેસ વધી રહ્યા છે તે અંગે લોકોને જાગૃત રહેવા માટે પણ ટકોર કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ ક્રાઈમ કોન્ફરન્સમાં કહ્યું કે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તહેવારો દરમિયાન ક્રાઇમના બનાવ અટકે તે માટે શું પગલા જોઈએ તે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોકડ લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટારુઓ ટાર્ગેટ બનાવતા હોય છે. આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક કરી, તેમને પોલીસ પ્રોટેક્શન માગે તો પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.
પોલીસ કોઈ જ પ્રકારની પુછપરછ વગર આંગડિયા પેઢીને પોલીસ પ્રોટેક્શન આપશે. એક બંદૂકધારી પોલીસ કર્મચારીની જરુરત હશે તો તે પણ ફાળવવામાં આવશે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં રોકડ લઈને જતા લોકો ઉપર તસ્કરો વોચ રાખતા હોય છે. પોલીસ પ્રોટેક્શન આપવાથી આ પ્રકારના બનાવવામાં ચોક્કસપણે ઘટાડો થશે. દિવાળીના તહેવારો દરમિયાન આ પ્રકારની સવલત આપવામાં આવશે.
દિવાળીના તહેવારમાં વતનમાં જતા નાગરિકોના મકાન સુરક્ષિત રહે તે માટે સાઇરનવાળા લોક આપવામા આવી રહ્યાં છે. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમા ડિપોઝીટ લઇને આપવામા આવી રહ્યાં છે. લોકની ખાસિયત એ છે કે, જો કોઈ વ્યક્તિ તોડવાનો પ્રયાસ કરે તો સાઇરન વાગે છે.