- રાજ્ય સરકાર દ્વારા નવા મુખ્ય સચિવની કરાઈ જાહેરાત
- ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમારની કરાઈ વરણી
- હાલના મુખ્ય સચિવ અનિલ મુકિમ થઈ રહ્યા છે નિવૃત્ત
ન્યૂઝ ડેસ્ક: રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ 31 ઓગસ્ટના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન 2 વખત 6 મહિના માટે એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે 31 ઓગસ્ટના રોજ તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થતા હોવાથી રાજ્ય સરકારે 1986ની બેચના IAS અધિકારી પંકજ કુમારની રાજ્યના મુખ્ય સચિવ તરીકે વરણી કરી છે. હાલમાં તેઓ ગૃહ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવે છે.
મુખ્ય સચિવ તરીકે ક્યા નામો હતા હરોળમાં
અનિલ મુકિમ નિવૃત્ત થતા ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર સિવાય ઉદ્યોગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તા, IPS અધિકારી અને હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમારનું નામ પણ ચર્ચામાં હતું. જોકે, આજે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી દેવાતા નામોની ચર્ચા પર અંત આવી ગયો છે.
અનિલ મુકિમ 1985 બેચના છેલ્લા અધિકારી
ગુજરાતમાં હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ 1985 બેચના અધિકારી છે. તેમની 1986માં કચ્છમાં કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ભાવનગર તેમજ વડોદરામાં કલેક્ટર તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર, સચિવાલયમાં GAD નાણા વિભાગ તથા દિલ્હી ખાતે ડેપ્યુટેશન સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સમાં પણ મહત્વના પદ પર ફરજ સોંપવામાં આવી હતી. જ્યારે અનિલ મુકિમ ગુજરાત કેડરમાં 1985ના છેલ્લા અધિકારી છે.