- વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન
- ભારતીય જનતા પાર્ટીએ રૂપાણીની અડધી પીચે વિકેટ લીધી
- 5 વર્ષ પૂરાના થવા દીધા ભાજપ પક્ષે
- નિષ્ફળતાને ઢાંકવા ચહેરો બદલાયો છે
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ 11 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકની આસપાસ રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન તરીકેનું રાજીનામું સુપરત કર્યું છે, ત્યારે આ રાજીનામા આપવા પાછળ અનેક કારણો હોવાના નિવેદન પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યા હતા. સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વિજય રૂપાણીને અડધી પીછે આઉટ કર્યા હોવાનું નિવેદન પણ આપ્યું હતું.
નિષ્ફળતાને છુપાવવા માટે ચહેરો બદલાયો
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારની નિષ્ફળતાને છુપાવવા માટે મુખ્ય પ્રધાન તરીકેનો ચહેરો બદલાયો છે, પરંતુ નીતિ-રીતિ તો તે પ્રકારની જ છે. જ્યારે સરકાર અને સંગઠનમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીનું રાજીનામું એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનું એક રાઝ મને લાગે છે કે, મુખ્યપ્રધાન રૂપાણીનું રાજીનામું સત્તા અને સંગઠનો વચ્ચે ઘર્ષણનું પ્રતિબિંબ છે. મુખ્યપ્રધાનનું રાજીનામું એટલે ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે પોતાનો એકરાર છે.
મોદી અને શાહે રૂપાણીને થાળી વગાડવામાં વ્યસ્ત રાખ્યા
પરેશ ધાનાણીએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, રૂપાણી સરકાર તો રિમોટ કન્ટ્રોલથી ચાલતી હતી, પરંતુ મંદી, મોંઘવારી,બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી માટે માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સીધા જવાબદાર છે. કોરોના મહામારીમાં હોસ્પિટલમાં દવા અને બેડની વ્યવસ્થા કરવાની હતી, ત્યારે કેન્દ્ર સરકારે થાળી વગાડવામાં રૂપાણીને વ્યસ્ત રાખ્યા હતા. જેથી ગુજરાતમાં અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકો મોતના મુખમાં ધકેલાયા અને કદાચ તે ગુજરાતની જનતાના ગુસ્સાએ વિજય રૂપાણીનો ભોગ લીધો છે.
હવે જ્ઞાતિવાદ અને કોમવાદ શરૂ થશે : પરેશ ધાનાણી
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ફરીથી જ્ઞાતિવાદ અને કોમવાદથી ભાગલા પાડવાનું ષડયંત્ર શરૂ થશે એવી મને શંકા છે, ભારતીય જનતા પાર્ટી ચહેરો બદલે પણ નીતિ રીતી નહીં. પરિણામે આજે ગાંધી અને સરદારનું ગુજરાત તેને સમગ્ર દેશને આઝાદી અપાવવા માટે નેતૃત્વ પૂરું પાડયું હતું. તે નવી પેઢી ગુલામીનો અહેસાસ કરી રહી છે અને ગુજરાતની અંદર બીજી આઝાદીની લડાઇ માટે સમાનતા સદભાવનાના પાયા પર સંવિધાનિક અધિકારોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષનું આંદોલન આગળ ધપાવવાનો અમે સંકલ્પ કરીએ છીએ.