ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે દેશને લોકડાઉન કર્યો છે. જેથી જીવ જરૂરિયાતચની ચીજ-વસ્તુઓની ખરીદી માટે લાંબી કતારો શરૂ થઇ છે. આ ઉપરાંત બીજા રાજ્યમાંથી આવીને મજૂરી કરનારા લોકોએ હિજરત શરૂ કરી છે. પરંતુ લોકડાઉનના કારણે તમામ વાહન વ્યવહાર બંધ હોવાથી હિજરત કરનારા લોકોને સાધનો મળતાં નથી. બુધવારે વહેલી સવારથી ગાંધીનગરના રસ્તા ઉપર શ્રમિકો રાજસ્થાન તરફ જઇ રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં બુધવારે મોડી સાંજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શ્રમિકોની વહારે આવ્યા હતા અને તેમને બોર્ડર સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા પણ તેમણે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હજારોની સંખ્યામાં ગાંધીનગરથી ચિલોડા, હિંમતનગર હાઇવે સુધી શ્રમિકો રસ્તા ઉપર વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજસ્થાન બોર્ડર સુધી બસની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન બોર્ડરથી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની જવાબદારી રાજસ્થાન સરકારે લીધી છે.