- રાત્રી કરફ્યૂ હવે 15 સપ્ટેમ્બર સુધી યથાવત
- રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરાઈ જાહેરાત
- રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
- ગણેશોત્સવ દરમિયાન રાત્રીના 12 વાગે કરફ્યૂ અમલી રહેશે
ગાંધીનગર: કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લાઓમાં કરફ્યૂનો નિર્ણય કર્યો હતો. જેમ જેમ કોરોનાના કેસ કંટ્રોલમાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને અનેક જિલ્લાઓ અને શહેરોમાંથી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. અત્યારે વર્તમાન સમયમાં ફક્ત રાજ્યના 8 મહાનગર પાલિકા વિસ્તારમાં જ રાત્રી કરફ્યૂ અમલી છે. જે 28 તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન કરીને રાત્રી કરફ્યૂ 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.
કયાં મહાનગરપાલિકામાં કરફ્યૂ અમલી ?
રાજ્યના ગૃહ વિભાગના નોટિફિકેશન પ્રમાણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સિટી વિસ્તારમાં રાત્રે કરફ્યૂ રાતના 11 થી સવારના 6 વાગ્યા સુધી અમલી રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો ફક્ત 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી હોવાથી રાત્રે 1 વાગ્યા સુધી કરફ્યૂ અમલી કરવામાં આવશે.
ગણેશોત્સવમાં 1 કલાકની છૂટ
ગૃહવિભાગ વિભાગે આજે ગુરુવારે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને કરફ્યૂની અવધિ લંબાવવામાં આવી છે. આવનારા સમયમાં જે રીતે ગણેશોત્સવનો તહેવાર આવી રહ્યો છે. ગણેશોત્સવને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ગણેશ મહોત્સવમાં કરફ્યૂમાં એક કલાકની છુટ આપવામાં આવી છે. આમ રાત્રે 11 વાગ્યે કરફ્યૂ અમલી બને છે પરંતુ ગણેશ મહોત્સવના દિવસો દરમિયાન રાત્રિના 12 વાગે કર્ફ્યુ અમલી બનશે. ગણેશ દર્શન ફક્ત રાત્રિના 11 વાગ્યા સુધી જ કરવાના રહેશે.
કોવિડના નિયમો જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવમાં પાલન કરવાનું રહેશે
રાજ્યમાં આવનારા દિવસોમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ આવી રહ્યા છે. તેની ઉજવણી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. તેમાં કોવિડના નિયમોની જો વાત કરવામાં આવે તો જન્માષ્ટમી દરમ્યાન મંદિરમાં ફક્ત એક સાથે 200 લોકો જ હાજર રહી શકશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. આ ઉપરાંત ગણેશ પંડાલમાં પણ દર્શન માટે આવતા ભાવિક ભક્તો માટે પણ સોશિયલ ડિસ્ટન્સના ગોળ રાઉન્ડ કરવાના રહેશે. સાથે જ ફરજિયાત માસ રાખવાની નોટિફીકેશન પણ ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ગણેશોત્સવમાં પૂજા આરતી અને પ્રસાદ વિતરણ જ કરવાનું રહેશે. અન્ય કોઈપણ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં યોજાય.