- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક
- બેઠકમાં અનેક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
- પીએમ મોદીએ સત્તામાં 20 વર્ષ પૂર્ણ કર્યા
- ગુજરાત વેકસિનેશનમાં સમગ્ર દેશમાં પ્રથમ
ગાંધીનગર : આજે મળેલી કેબિનેટ બેઠકમાંં જે મુદ્દાઓ ચર્ચાયાં તેમાં મગફળીની ખરીદીમાં અવરોધ આવતા તલાટીઓના પ્રશ્નોનો નિકાલ, છેલ્લા 20 વર્ષથી સત્તામાં રહેલા નરેન્દ્ર મોદીની સિદ્ધિઓની (Modi completes 20 years in power) ઉજવણી મુખ્ય હતો.. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના વિજય બાબતે પણ કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
નરેન્દ્ર મોદીને શાસનમાં 20 વર્ષ પૂર્ણ : શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ કરશે ખાદીની ખરીદી
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 20 વર્ષથી સત્તાના સિંહાસન પર છે. પહેલાં તેઓ 14 વર્ષ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સત્તામાં રહ્યાં અને હવે છેલ્લા છ વર્ષથી વડાપ્રધાન તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 20 વર્ષ થતા શિક્ષણ વિભાગ દ્વારા 25 ઓક્ટોબરના રોજ તમામ કર્મચારીઓને ખાદી ખરીદીને ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે રાજ્ય સરકારના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ટેકનિકલ અને નોન ટેકનિકલના તમામ કર્મચારીઓ શિક્ષકો પ્રોફેસરો અને ઓફિસ સ્ટાફને ખાદી ખરીદી કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ખાદી ખરીદવી એ ફરજિયાત નહીં હોવાની વાત પણ જીતુ વાઘાણીએ કરી હતી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખાદી પર ફેશન ખાદી ફોર્મેશનનું સૂત્ર આપ્યું હતું. ખાદી સાથે સંકળાયેલા નાના-નાના કારીગરોને વધુ રોજગારી મળે તે બાબતે પણ ખાદી ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં 1 ઓક્ટોબરથી ટેકાના ભાવના મગફળી ખરીદી માટેનું ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે તલાટીઓએ વિરોધ કર્યો હતો અને અનેક પ્રશ્નો કે જે સરકારમાં બાકી છે તે તમામ પ્રશ્નોની માગણી કરી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ખાસ બેઠકનું આયોજન કરીને તમામ પ્રશ્નોની માગ બાબતે આવનારા દિવસોમાં ચર્ચા કરીને તલાટીઓ દ્વારા આપવામાં આવેલી ચીમકીને ધ્યાનમાં લઈને સરકારે તાબડતોબ બેઠક બોલાવીને પ્રશ્નોનું સમાધાન કરાવ્યું હતું અને આવનારા સમયમાં બાકીના પ્રશ્નો ઉકેલ લાવવાનું બાંહેધરી આપીને મગફળીની ખરીદીમાં કોઈ અડચણ ન આવે તેને ધ્યાનમાં લઈને હવે તલાટીઓને જણસીનું સર્ટિફિકેટ આપવાની મંજૂરી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે.
ટૂંકસમયમાં 100 ટકા વેક્સીનેશન પૂર્ણ થશે
ગુજરાત રાજ્યના પ્રવક્તાપ્રધાન એવા જીતુ વાઘાણી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા વધુ ગતિમાન થાય તે બાબતે પણ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અનેક શહેરો અને નગરો એવા છે કે જ્યાં 100 ટકા જેવા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ હવે સમગ્ર ગુજરાતમાં 100 ટકા વેકસિનેશન પૂરું થાય તે બાબતે ફોકસ કરવામાં આવશે. જ્યારે આજે કેન્દ્ર સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન સારી ગતિ આગળ વધી રહ્યું છે અને સમગ્ર દેશમાં ગુજરાત વેક્સિનેશનની કામગીરીમાં પ્રથમ રહ્યું છે.
ગુજરાત બેસ્ટ લેબોરેટરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફરીથી ભાજપનો વિજય થયો છે ત્યારે આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જ અન્ય નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે તે બદલ કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત બેસ્ટ લેબોરેટરી છે, જો આવનારા દિવસોમાં કોઈ રિસર્ચ કરશે તો સારું જ પરિણામ જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાની કામગીરીને વિશેષ મૂલવવામાં આવશે. જ્યારે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું છે. તેને ધ્યાનમાં લઈએ તો જાહેર જનતાએ વિરોધ પક્ષના ઓફિસના તાળાં મારવાનો મેન્ડેટ આપ્યો હોવાનું નિવેદન પણ જીતુ વાઘાણીએ કર્યું હતું.
આ પણ વાંચોઃ ગાંધીનગર : રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કેબિનેટ બ્રિફિગ
આ પણ વાંચોઃ CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક, ટૂંક સમયમાં જાહેર કરાશે અતિવૃષ્ટિ રાહત પેકેજ