ગાંધીનગરઃ કોરોના વાયરસની મહામારીમાં કેન્દ્ર સરકાર દ્વારા 4.0 લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મંગળવારથી છૂટછાટ આપવામાં આવી છે. માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા સવારે 8થી બપોરનાં 4 વાગ્યા સુધી તમામ શોપિંગ ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે બે મહિના કરતા વધુ સમય બાદ પાટનગરમાં ચહલ-પહલ જોવા મળતા નવા પ્રાણ ફૂંકાયા છે. નગરજનો પણ સોશિયલ ડીસ્ટન સાથે બહાર જોવા મળી રહ્યા છે. સરકારી કચેરીઓ પણ જે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી સુંમસાન ભાસતી હતી. તેમાં નવો જોમ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર શહેરમાં સેક્ટર 21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર અને સેક્ટર 11 શોપિંગ સેન્ટર સિવાયના સેન્ટરના શોપિંગ સેન્ટર હજુ પણ બંધ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં અમદાવાદની તુલનામાં ટ્રાફિક પણ ઓછો જોવા મળી રહ્યો હતો. નગરજનો ચોક્કસ ખુશ છે પરંતુ હજુ તેમના કામ થઈ શકે એવું સામે આવતું નથી અને દુકાનોમાં માલની અછત જોવા મળી રહી છે પરિણામે ગ્રાહકોને પણ પાછા જવું પડી રહ્યું છે.