ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદત નવેમ્બર 2020માં પૂર્ણ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી છે. જેથી હવે 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલવાના કારણે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશન પંચાયતોમાં હવે વહીવટદારની નિમણૂક કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અત્યારે વર્તમાન બોડીને સ્ટેન્ડ કરવા માટેની પણ ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. વહીવટદારની નિમણૂક કરવામાં આવે તો 31 જિલ્લા પંચાયતમાં સચિવ કક્ષાના વહીવટદારની નિમણૂક કરવામાં આવશે, જ્યારે 6 મહાનગરપાલિકામાં અગ્ર સચિવની નિમણૂક વહીવટદાર તરીકે કરવામાં આવશે. આ સાથે જ તાલુકા પંચાયતમાં ડેપ્યૂટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર તરીકે મુકવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાવાથી રાજ્ય સરકાર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક બોડીની મર્યાદા વધારવી અથવા તો વહીવટદારની નિમણૂક કરવા અંગેની બેઠકો શરૂ કરવામાં આવી છે.
આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુલતવી થવાના કારણે 3 મહિના સુધી વહીવટદારોનું શાસન આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર બીજી તરફ વર્તમાન બોડીને એક્સટેન્ડ કરવાની એટલે કે સમય મર્યાદા વધારવાની પણ વિચારણા કરી રહી છે, ત્યારે હવે વહીવટદારની નિમણૂક થશે કે પછી વર્તમાન બોડીને એક્સટેન્ડ કરવામાં આવશે તે બાબતની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.