- ગાંધીનગર LCB-1ની ટીમનો સપાટો
- માણસા રોડ પર આવેલી સ્વાગત હોટલમાં જુગાર રમતાં કુલ 26 શખ્સ પકડાયા
- 2,18,600 રોકડ રકમ ઝડપાઈ
ગાંધીનગર : પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાએ ગાંધીનગર જીલ્લામાંથી પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને ધાર્મિક તહેવારોને અનુલક્ષીને પ્રોહીબીશન-જુગારની ડ્રાઈવ ચાલુ રાખી હતી. જે અંગે કડક કાર્યવાહી હાથ ધરાતા ગાંધીનગરના પોલીસ વડા મયુર ચાવડાએ તમામ અધિકારીઓને સુચના આપી હતી. સુચનાના આધારે LCB-1ના એચ.પી. ઝાલાએ તાબાના અધિકારી તથા સ્ટાફે જીલ્લાના તમામ લીસ્ટેડ બુટલેગર પર વોચ રાખવા અને અન્ય શખ્સ જે પ્રોહીબીશનની ગેરકાયદે પ્રવૃતિ આચરતા હોય તેવા શખ્સોની બાતમીદારો પાસેથી માહિતી મેળવી ઝડપી લેવા સુચના આપી હતી. રેડ ચાલુ રાખી આ જુગારીઓને ઝડપી પાડયા હતા.
1 કરોડ 21 લાખની કિંમતના 9 વાહનો કબ્જે કર્યા
905 કોઈન, 1 કરોડ 21 લાખની કિંમતના 9 વાહનો, 4,22,500ના 39 મોબાઈલ સહિતનો 1.27 કરોડથી વધુનો મુદ્દામાલ LCBએ કબ્જે કર્યો. કોન્સ્ટેબલ જીગ્નેશ કનુભાઈ અને દિગ્વિજયસિંહ ફુલુભાને બાતમી મળી હતી કે, મહેસાણાના ઉંઝા ખાતે રહેતા ધર્મેશકુમાર રાયચંદભાઈ પટેલ, કમલેશ કુમાર જીવાભાઈ પટેલ, રહીમભાઈ નાગાણી મળી ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમાં જુદી-જુદી હોટલમાં લોકોને ભેગા કરી જુગાર રમાડે છે અને હાલમાં તેઓ તેમના મિત્ર હીરેનકુમાર અનંતભાઈ પટેલ સ્વાગત હોટલમાં જુગાર રમાડે છે. જેથી આ માહિતીના આધારે LCB-1ની ટીમે સ્વાગત હોટલમાં રેડ પાડી હતી.
પોલીસે કમલેશભાઈની પણ ધરપકડ કરી હતી
આરોપી રહીમભાઈ ગફારભાઈ નાગાણી, ધર્મેશકુમાર પટેલની પુછતાછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના મિત્ર કમલેશભાઈ જીવાભાઈ પટેલ સાથે મળી અમદાવાદ અને બીજા જીલ્લાઓમાંથી માણસો જુગાર રમવા બોલાવી રાજ્યની જુદી-જુદી જગ્યાએ ભેગા કરી એડવાન્સ પૈસા જમા લઈ તેના બદલામાં તેઓની નોટબુકમાં એન્ટ્રી કરી જુગાર રમવાના કોઈન આપતાં હતા અને આજે સ્વાગત હોટલના માલિક હીરેનભાઈ અનંતભાઈ પટેલ સાથે મળીને હોટલમાં જુગાર રમવાનું આયોજન કર્યું હતું. આજે તમામ જુગાર રમવા ભેગા થયા હતા અને જુગાર રમવા માટે કોઈનના બદલે કમલેશભાઈ જીવાભાઈ પટેલ પાસે પૈસા જમા કરાવ્યા હતા. પોલીસે કમલેશભાઈની પણ ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને ઝડપી પોલીસે તેમની પાસેથી 1 કરોડ 27 લાખ 41 હજાર 100 રુપિયાનો મુદામાલ કબ્જે કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પેથાપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધી અટકાયત કરી છે.
કોઈને ખબર ન પડે માટે હોલની અંદર લગ્નની ચોરી સજાવી તેની આડમાં જુગાર રમતા હતા
હોટલના હોલની અંદર એક લગ્નની ચોરી સજાવી હતી. જેની આડમાં કુંડાળાવળી કેટલાંક લોકો પ્લાસ્ટીકના કોઈનથી અને પૈસાપાનાથી ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલા એક પછી એક એમ 26 આરોપીઓને પકડી પાડ્યા હતા. મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ વગેરે જુદા-જુદા વિસ્તારમાં અને શહેરોથી આવેલા જુગારીઓને LCBએ ઝડપી પાડયા હતા.