- લેન્ડ ગ્રેબિંગના સવાલો વિધાનસભા ગૃહમાં નહીં પુછાય
- સરકારે કર્યો નિર્ણય
- હાઇકોર્ટ અને અન્ય કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાને કારણે લેવાયો નિર્ણય
- વિજય રૂપાણીની સરકારે ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ કર્યો હતો પસાર
ગાંધીનગર: ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે વિધાનસભા ગૃહમાં જમીન માફિયાઓને નાથવા માટે લેન્ડ સ્કેપિંગ-1 વિધાનસભા ગૃહમાં પસાર કર્યો હતો. હવે સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર થયો છે. ભુપેન્દ્ર પટેલની સરકાર અત્યારે અસ્તિત્વમાં છે અને 27-28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસું સત્ર મળવાનું છે ત્યારે વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગને અસર કરતો એક પણ પ્રશ્ન નહીં પૂછવામાં આવે.
કોર્ટ કેસ ચાલતા હોવાને કારણે નિર્ણય
મહેસુલ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભા ચૂંટણીમાં લેન્ડ સ્કેપિંગના પ્રશ્નો અંગે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોર્ટ કેસ ચાલતા હોય તેવા લેન્ડ અંગે પ્રશ્નોના જવાબ ન આપવાનું સૂચન આપવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા લેન્ડિંગની પ્રશ્નોત્તરી મુદ્દે મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે, જ્યારે કોર્ટ કેસ ન હોય તેવા લેન્ડ સ્કેપિંગના કેસના જવાબો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.
વિરોધ પક્ષના ધારાસભ્યોને સૂચન કરાયું
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિધાનસભાગૃહમાંના પ્રશ્નો બાબતે વિરોધ પક્ષના તમામ ધારાસભ્યોને સૂચન કરવામાં આવ્યું છે કે જે લેન્ડ ગ્રેબિંગનો કેસ કોઈપણ કોર્ટમાં ચાલતો હશે તેના જવાબ સરકાર વિધાનસભાગૃહમાં નહીં આપે, કારણકે કોર્ટમાં ચાલતા તમામ કેસોનું પરિણામ હજુ આવવાનું બાકી હોવાથી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય ન ગણાય; જેથી રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને પણ લેન્ડ ગ્રેબિંગના સવાલો બાબતે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે.
હવે લેન્ડ ગ્રેબિંગ મામલે રાજેન્દ્ર ત્રિવેદી જવાબો આપશે
વિજય રૂપાણી સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ પદે રાજેન્દ્ર ત્રિવેદી હતા. હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન તરીકે રાજેન્દ્ર ત્રિવેદી જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે વિધાનસભામાં લેન્ડ એક્ટ બાબતે થયેલી પ્રશ્નોત્તરી અને સવાલના જવાબમાં તમામ મુદ્દે મહેસુલ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ગ્રુહમાં જવાબ આપશે.
વધુ વાંચો: લેન્ડ ગ્રેબિંગ પર યોગ્ય કાર્યવાહી ન કરતા અધિકારીઓની હાઇકોર્ટે કાઢી ઝાટકણી