- ફાફડા જલેબી વિના દશેરા અધૂરી
- ગુજરાતીઓની આગવી ઓળખ ફાફડા-જલેબી
- ગુજરાતીઓ દરવર્ષે કરોડોના ફાફડા- જલેબી આરોગી જાય છે
ન્યૂઝ ડેસ્કઃ ETV Bharatના સર્વે મુજબ ગુજરાતના વિવિધ શહેરોમાં અત્યારે કિંમતની દૃષ્ટિએ જોઈએ તો ફાફડા અને ચોખ્ખા ઘીની જલેબીના ભાવ વધુ જાણવા મળ્યા છે. એક અંદાજ મુજબ દશેરાના દિવસે ગુજરાતીઓ આશરે રૂપિયા 400થી 500 કરોડના ફાફડા-જલેબી ઑડકારી જાય છે. એકલા અમદાવાદ શહેરમાં સરેરાશ 7થી 8 લાખ કિલો જેટલાં ફાફડાં-જલેબી એક જ દિવસમાં વેચાતા હોવાનો અંદાજ છે. નવરાત્રિમાં આઠમના દિવસથી ફાફડા-જલેબીના અનેક જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે.
દશેરા પર કોરોનાની અસર: સુરતના ફરસાણ વિક્રેતાને એક પણ એન્ડવાન્સ ઓર્ડર નહીં
કોરોનાની મહામારીની અસર તમામ વેપાર-ધંધા પર જોવા મળી રહી છે, ત્યારે તહેવારોમાં વેપાર-ધંધા બંધ રાખવા માટે સરકારે આદેશ કર્યા બાદ તેની સીધી અસર જેતે વેપાર પર જોવા મળી રહી છે. ખાસ દશેરા પર્વ પર વેપારીઓને દર વર્ષે 400 કિલોનો એડવાન્સ ઓર્ડર મળતો હોય છે, પરંતુ આ વર્ષે એક પણ ઓર્ડર મળ્યો નથી. જેથી ફરસાણના વિક્રેતાઓમાં નિરાશનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફાફડા-જલેબીમાં વપરાતો ચણાનો લોટ સરેરાસ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો
રાજ્યના વિવિધ જિલ્લામાં ચણાના લોટની વિવિધ કિંમત જોવા મળી છે. જે મુજબ રાજકોટ શહેરમાં ચણાનો લોટ 93થી લઈને 100 રૂપિયા પ્રતિ કિલો મળે છે. આ સાથે જ સુરેન્દ્રનગરમાં 120 રૂપિયા પ્રતિ કિલો ચણાનો લોટ મળતો હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં 80 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે શહેરી વિસ્તારમાં રૂપિયા 85 પ્રતિ કિલો ચણાનો લોટ મળી રહ્યો છે.
ફાફડા જલેબીમાં વપરાતા વિવિધ તેલોની કિંમત
મોટા ભાગના વેપારીઓ ફાફડા-જલેબીમાં સિંગ તેલનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત અમૂક વેપારીઓ કપાસિયા અને પામોલીન તેલનો પણ ઉપયોગ કરતા હોય છે, ત્યારે અમદાવાદમાં સિંગતેલના જુનો ડબ્બો રૂપિયા 2200થી 2300 રૂપિયામાં મળી રહ્યો છે. આ સાથે જ કપાસીયા તેલનો ડબ્બો રૂપિયા 1590થી 1690માં મળી રહ્યો છે. આ સાથે જ પામોલીન તેલનો ડબ્બો રૂપિયા 1410થી 1430માં મળી રહ્યો છે.
ગત 10 વર્ષમાં ચણાના ભાવ ડબલથી ચાર ગણા થયા
આજથી દસ વર્ષ પહેલાં એટલે કે 2010ની સાલમાં દશેરાએ છૂટક બજારમાં બેસનનો કિલોનો ભાવ નોન-બ્રાન્ડેડમાં રૂપિયા 40 અને બ્રાન્ડેડમાં રૂપિયા 45ની આસપાસ હતો, જ્યારે તે સમયે ફાફડા સામાન્ય લારીમાં રૂપિયા 170 અને પ્રસિદ્ધ સ્થળે રૂપિયા 200થી 220 પ્રતિ કિલોના સરેરાશ ભાવે વેચાતા હતા. ચોખ્ખા ઘીની જલેબી જેની સરખામણીએ રૂપિયા 250થી રૂપિયા 300 સુધીના ભાવે વેચાતી હતી. આમ, જોઈએ તો વીતેલા દસ વર્ષમાં ચણાના લોટનો ભાવ ડબલ થયો છે જેની સામે ફાફડા-જલેબીના ભાવમાં સરેરાશ ચાર ગણો વધારો થયો છે.
વિવિધ સ્થળોએ ફાફડા જલેબીની કિંમત
ક્રમ | શહેર | ફાફડા (પ્રતિ કિલો કિંમત) | જલેબી ઘી (પ્રતિ કિલો કિંમત) | જલેબી તેલ (પ્રતિ કિલો કિંમત) |
1 | અમાદવાદ | 360થી 425 | 600 | - |
2 | રાજકોટ | 240 | 160 | - |
3 | જૂનાગઢ | 300 | 200 | - |
4 | ગીર સોમનાથ | 300 | 400 | - |
5 | દાહોદ | 300 | 400 | - |
6 | ખેડા | 300-350 | 160-200 | - |
7 | મહેસાણા | 300 | 300 | 160 |
8 | જામનગર | 300 | 160 | - |
9 | વડોદરા | 320થી 350 | 400થી 460 | 200થી 250 |
10 | વલસાડ | 350 | 500 | - |
11 | કચ્છ | 280 | 360 | 160 |
બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો
રાજ્યમાં ભારે વરસાદ અને વરસાદની સિઝન લંબાવવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડુંગળીનું 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે આ અંગે ડુંગળીના વેપારીએ ETV BHARATને જણાવ્યું કે, ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
50 વર્ષમાં પ્રથમ વખત બટાકાનો ભાવ રૂપિયા 800ને પાર
બનાસકાંઠામાં બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. અત્યારસુધીમાં બટાકાનો ભાવ ક્યારેય 800 રૂપિયા સુધી પહોંચ્યો નથી. આ વર્ષે 800 રૂપિયા પ્રતિમણ ભાવ મળતા પાંચ વર્ષની મંદીનો માર સરભર થયો છે. જોકે સામાન્ય પ્રજાને આ ભાવનો ફાયદો સમયસર પહોંચે એ જરુરી છે.