ગાંધીનગરઃ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘમાં મોટાભાગના સભ્યો સિનિયર સિટીઝન છે. જ્યારે મહાનગરપાલિકાનું અસ્તિત્વ પણ ન હતું, ત્યારે ગાંધીનગરના લોકોના પ્રશ્નો માટે મહાસંઘ કાર્યવાહી કરતું હતું. હવે મહાનગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતાં નાગરિકોના પ્રશ્નોને લઈને શહેર વસાહત મહાસંઘ દ્વારા સોમવારે સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ કહ્યું કે, હાલમાં ગાંધીનગર શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ એક સૌથી મોટી સમસ્યા છે, ઠેરઠેર પશુઓ રખડી રહ્યાં છે. નાગરિકો માટે જીવતાં બોંબ સમાન રસ્તા ઉપર ફરી રહ્યાં છે તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. જે રીતે રાજભવન પાસે એક પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી નથી, તેવી જ રીતે ગાંધીનગરના સત્તાધીશોનીની આજુબાજુ આવા રખડતાં પશુઓ જોવા મળતાં નથી, પરંતુ સામાન્ય નાગરિકોને આ રોજની સમસ્યા થઈ ગઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં વેરો ઉઘરાવવામાં આવતો હોય છે, પરંતુ તે પ્રમાણે સુવિધાઓ આપવામાં આવતી નથી. હાલમાં શહેરના આંતરિક માર્ગો મગરની પીઠ કરતાં પણ ભૂંડી હાલતમાં જોવા મળી રહ્યાં છે. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સમસ્યાઓ થાય છે. આમ છતાં જાણે ભ્રષ્ટાચારનો એરૂ આભડી ગયો હોય તેમ રસ્તાની હાલત દયનીય થઈ જાય છે. કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવતી નથી અને તેનું પરિણામ સામાન્ય નાગરિકોને ભોગવવું પડે છે. ગાંધીનગર શહેરના અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલી દુકાનો માટે વર્ષોથી લડત ચલાવવામાં આવી રહી છે, પરંતુ તેમને માલિકી હક આપવામાં આવતો નથી.