- આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર
- ગ્રેડ પે મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ હડતાલની કરી જાહેરાત
- સરકાર સમક્ષ કરી 2800 ગ્રેડ પેની માગ
ગાંધીનગરઃ આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પે બાબતે રાજ્ય સરકારને આવેદન પાઠવીને સાત દિવસમાં નિર્ણય કરવાની ચીમકી આપી હતી, જોકે કોઈ નિર્ણય ન આવતા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી આંદોલન કરવાની જાહેરાત કરી છે.
સરકાર ગ્રેડ પેમાં વધારાની માંગ સાથે કરશે હડતાળ
આરોગ્ય કર્મચારી મહાસંઘના સંગઠનના પ્રધાન જીગ્નેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં રાજ્ય સરકાર 7 દિવસની અંદર ગ્રેડ પેમાં સુધારો નહીં કરે, તો રાજ્યના 33 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરીને સરકારનો વિરોધ કરશે. જોકે, સરકારે કોઈ પ્રકારનો નિર્ણય કર્યો નથી, જ્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથેની બેઠકમાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગ્રેડ પેમાં વધારો કરવાની માગ કરવામાં આવી છે. જેમાં વર્તમાન સમયમાં કર્મચારીઓને 1,800 ગ્રેડ પે મળે છે, જે વધારીને 2,800 ગ્રેડ પે કરવાની માંગ કરવામાં આવી છે.
દ્વારકામાં ઘડવામાં આવી હતી આ રણનીતિ
ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર માસમાં દ્વારકા ખાતે રાજ્યના 33 જિલ્લાના કર્મચારી મહાસંઘના પ્રમુખો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના અંતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે આજે પણ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે યોજાયેલી બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવતા હવે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વેક્સિનેશનની કામગીરી પર પડશે અસર
કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરીથી વેકસીનેશન પ્રક્રિયા શરૂ કરવાની લીલી ઝંડી આપી છે, ત્યારે કર્મચારીઓની હડતાળ પડવાનું નક્કી કર્યું છે, ત્યારે કર્મચારીઓની હડતાળને લઈ વેકસીનેશનની પ્રક્રિયામાં કઈ રીતની અસર પડશે તે જોવું રહ્યું.
હળતાળથી કોઈ ફેર નહિ પડે: નીતિન પટેલ
રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓએ હડતાળની ચિમકી આપી છે, ત્યારે વેક્સિનની પ્રક્રિયા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પંચાયત આરોગ્ય કર્મચારીઓના આંદોલનથી સરકારને કોઈ ફરક નહીં પડે ચૂંટણી આવતી હોવાના કારણે તેઓ આવા આંદોલનો કરતા રહ્યા છે, જ્યારે વેક્સીનેશનની પ્રક્રિયામાં પણ કોઈ જ ફરક નહીં પડે.