- ધોરણ 10ના કથળતા પરિણામોને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય
- ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયમાં બે પસંદગી
- બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતમાંથી કરવાની રહેશે પસંદગી
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહ લેવા ન ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થવાને કારણે વધુ અભ્યાસ કરતા નથી. જેને લઈને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગણિત વિષયના 2 વિકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતમાંથી વિદ્યાર્થીએ પસંદગી કરવાની રહેશે.
પાઠ્યપુસ્તકો એક સરખા જ રહેશે, બોર્ડની પરીક્ષા વખતે વિકલ્પ મળશે
શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ધોરણ 10 માટે ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ રહેશે અને શાળા કક્ષાએ યોજાતી પરીક્ષાઓ પણ યથાવત જ રહેશે. જોકે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 2 વિકલ્પ આપવામાં આવશે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સ્ટાન્ડર્ડ ગણિત વિજ્ઞાન પ્રવાહ માટે, બેઝિક ગણિત સામાન્ય પ્રવાહ માટે
જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયના સ્ટાન્ડર્ડ ગણિત વિકલ્પની પસંદગી કરી હશે, તે વિદ્યાર્થીઓ જ ધોરણ 11માં સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરી શકશે. જ્યારે બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે, બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કર્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ જુલાઈની પૂરક પરીક્ષા આપવી પડશે.
સૌથી વધારે વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ, પરિણામમાં પડી શકે છે અસર
અત્યાર સુધી ધોરણ 10ની પરીક્ષામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થતા હોવાનું સામે આવ્યું છે. એવામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણના કારણે બાળકોના અભ્યાસ પર વિપરિત અસર પડે તેમ હતું. જેના કારણે જ બોર્ડ દ્વારા આ પ્રકારે 2 વિકલ્પો આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણકારો માની રહ્યા છે. બોર્ડના આ નિર્ણયથી આગામી વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામમાં સરેરાશ 10થી 15 ટકાનો વધારો નોંધાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.