- રાજયમાં 25 થી 30 ટકા વાહનો સ્ક્રેપમાં જવાની શકયતાઓ
- સરકારી ગાડીઓ પણ સ્ક્રેપમાં જશે, અનયુઝ ગાડીઓ ખાઈ રહી છે ધૂળ
- હરાજીમાં કોઈ ખરીદનાર ન હોવાથી ગાડીઓ ખાઈ રહી છે ધૂળ
- સરકારની અનફિટ ગાડીઓ જશે સ્ક્રેપમાં
ગાંધીનગર : કેન્દ્ર સરકારે 13 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રદૂષણમુક્ત વાતાવરણ માટે ખાસ કરીને પોલિસીની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં સરકારી ગાડીઓ પણ સ્ક્રેપમાં જાય તેવી પરિસ્થિતિનો નજારો સામે આવ્યો છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગમાં પડેલ સરકારી ગાડીઓ જેનો છેલ્લા કેટલાય વર્ષોથી ઉપયોગ કરવામાં આવ્યો નથી તે હાલની પરિસ્થિતિમાં ધૂળ ખાઈ રહી છે અને અનફિટ પરિસ્થિતિમાં છે. જેથી તેઓ આગામી સમયમાં નવી પોલીસી પ્રમાણે સ્ક્રેપમાં જાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.
સરકારી વિભાગમાં ગાડીઓ અનયુઝ કરવાની સરકારની નીતિ
રાજ્ય સરકારના અનેક વિભાગોમાં ગાડીઓ વાપરવાની નીતિઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારની નીતિ પ્રમાણે પહેલા બે લાખ કિલોમીટર અથવા તો દસ વર્ષ પૂર્ણ આ બંને શરતમાંથી જે શરત ઓછા સમયગાળામાં પૂર્ણ થાય ત્યારે જે તે ગાડીને સરકારી વિભાગમાંથી દૂર કરવામાં આવતી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા આ નીતિમાં સુધારો કરીને 2.50 લાખ કિલોમીટર અથવા 10 વર્ષ આ બન્નેમાંથી જે પહેલા આવે તે સમયે ગાડીને સરકારી વિભાગમાં ઉપયોગમાંથી દૂર કરવાનો નિયમ અને નીતિ તૈયાર કરવામાં આવી છે જેથી લઈને અનેક વિભાગોમાં બિનવપરાશી ગાડીઓનો જથ્થો જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારમાં 30 ટકા જેટલી ગાડીઓ સ્ક્રેપમાં જશે
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારમાં અનેક ગાડીઓ એવી છે કે જે સચિવાલય જૂના સચિવાલય અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી જે ગાડીઓનો હરાજી કરવામાં આવે છે પરંતુ હરાજીમાંય જે ગાડીઓનો નિકાલ થતો નથી તે ગાડીઓને યથાવત પાર્કિંગમાં રાખવામાં આવે છે. જેથી ગાડી વર્ષોથી પડી રહેવાથી છોડી જવાની અને અન્ય ઘટનાઓના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. આમ રાજ્ય સરકારમાં જોવા જઈએ તો કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીના આધારે 30 ટકા જેટલી ગાડીઓ સ્ક્રેપમાં જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
કેમ હરાજીમાં લોકો ગાડીઓ લેવા તૈયાર નથી
મહત્વની મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો દ્વારા પોતાની કાર્યક્ષમતાને આધારે અને પોતાના ગાડીના વપરાશના આધારે ગાડીઓની હરાજી કરતા હોય છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે વિભાગ દ્વારા ગાડીઓની ઊંચી કિંમત મૂકવાના કારણે લોકો રાજ્ય સરકાર હસ્તકની ગાડીઓ લેવા તૈયાર થતાં નથી. તેથી ગાડીઓ સચિવાલય, જૂના સચિવાલય અને વાહન વ્યવહાર વિભાગના પાર્કિંગમાં સડી સડીને પૂર્ણ થઈ જાય છે.
અનેક ગાડીઓએ ધૂળની ચાદર ઓઢી, અનેક ગાડીઓ વૃક્ષોથી ઘેરાઈ
રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા જે રીતે હરાજી કરવામાં આવે છે તેમાં હરાજીમાં કોઈ વ્યક્તિ ગાડી ખરીદવા તૈયાર થતાં નથી. ત્યારે ગાડીઓને પાર્કિંગમાં રાખવામાં આવે છે. લાંબા સમયથી પાર્કિંગમાં પડેલી ગાડીઓ જોવા જઈએ તો અનેક ગાડીઓ ધૂળની ચાદર ઓઢી હોવાના દ્રશ્ય પણ સામે આવ્યાં છે. જ્યારે અનેક ગાડીઓમાં વરસાદી પાણી અને વરસાદી સીઝનને લઈને આજુબાજુમાં ઝાડ પણ ઊગી નીકળ્યાં છે આમ અનેક ગાડીઓ વૃક્ષોથી અને નાનાનાના ઝાડવાઓથી ઘેરાયેલી હોવાનું પણ જોવા મળે છે.
આ પણ વાંચોઃ સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?
આ પણ વાંચોઃ જાણો, સ્ક્રેપ પોલિસીના નવા નિયમો અંગે શું કહે છે ઓટો એક્સપર્ટ્સ...