- કેન્દ્ર સરકાર પાસેથી કેમ આવે છે ભંડોળ મોડું ?
- સરકારે RBI પાસેથી એક વર્ષમાં કુલ 5217.08 કરોડની લોન લીધી
- ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ, ક્રુડ અને લીકર માંથી વેટ પેટે સરકારને સૌથી વધારે આવક
ગાંધીનગરઃ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એકબીજા સાથે તાલ મેળવીને કામ કરતી હોય, તો જ રાજયના તમામ લોકો સુધી તમામ સુવિધાઓનો લાભ મળી રહે. પરંતુ વિધાનસભામાં માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને ઓછા નાણા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો જીએસટીના વળતર નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકાર પાસેથી રાજય સરકારને 23378.27 કરોડની રકમ લેવાની થાય છે. જેમાં વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને 14561.75 કરોડની રકમ જીએસટીના વળતર પેટે ચુકવવામાં આવી. અને વર્ષ 2020માં 5835.48 કરોડની રકમ ચુકવવામાં આવી. મતલબ કે કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકાર વર્ષ 2019 અને 2020માં કુલ 20,397.23 કરોડની રકમ જીએસટી પેટે ચુકવવામાં આવી હતી.
રાજયને GSTના વળતર પેટે બાકી રકમ
રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે જીએસટીના વળતર પેટે વર્ષ 2020-21માં 23378.27 કરોડ લેવાના થાય છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને 2937.86 કરોડ વળતર તરીકે અને 8869.6 કરોડ લોન તરીકે ચુકવવામાં આવ્યા છે. જેમાં લોન પેટે આપવામાં આવેલી રકમ GST કાઉન્સીલ દ્વારા ચુકવવામાં આવશે. જોકે રાજય સરકાર પર કોઇ બોજો નથી.
શું મોંઘવારી જ સરકારની આવક બની છે?
રાજય સરકારને ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ, ક્રુડ અને લીકર માંથી વેટ પેટે સૌથી વધારે આવક કરનારા ક્ષેત્ર છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે લોકોને બજાર જવાનું અને ઘરમાં રહેને ખાવાનું પણ મોંઘું થઇ રહ્યું છે. અને નવાઇની વાત એ છે કે, આ ક્ષેત્રમાંથી જ સરકારને સૌથી વધારે આવક થઇ રહી છે. સવાલ છે કે, શું મોંઘવારી જ સરકારની આવક બની છે?