ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ હવે વધતા જોવા મળી રહ્યા છે. મંગળવાર સવાર સુધી 73 કેસ રાજ્યમાં નોંધાયા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, 6.15 કરોડનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ સર્વે કેવી રીતે કરવામાં આવે છે. તેના કોઈ ચોક્કસ કારણો આપવામાં આવ્યાં નથી. જેને લઈને હવે સરકાર અને આરોગ્ય વિભાગ કોરોનાવાઇરસને લઈને જે કામગીરી કરી રહી છે તેમાં શંકા ઉભી થઈ રહી હોવાનું સ્પષ્ટ થાય છે.
રાજ્ય સરકારે પ્રોએક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે, ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. મંગળવારે 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયાં છે, એક અમદાવાદના 55 વર્ષના પુરૂષ, ગાંધીનગરના 32 વર્ષના એક મહિલા અને એક 26 વર્ષના રાજકોટના પુરૂષનો કેસ છે. જે તમામ લોકલ ટ્રાન્શમિશન ધરાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1396 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, તે પૈકી 1322 નેગેટિવ, 73 પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે.
જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડૉ.રવિએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં 24, સુરતમાં 9, રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જે 73 કેસ પોઝિટિવ છે, તેમાં 60 દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે. રવિએ ઉમેર્યું કે રાજ્યમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓને અને તેમના કુટુંબીજનોને તેમ જ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન કરાયાં છે. આવા વ્યક્તિઓને શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં 1100 નંબરની હેલ્પલાઇન જીવીકે EMRI 108 કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. લાભાર્થી દર્દીઓને 24 કલાક માટે નિષ્ણાત, MBBS, MD, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાઇકીયાટ્રિસ્ટ તબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે 079-22688028 ઉપર સવારના 9 થી 10 વચ્ચે ફોન કરીને ટેલી મેડિસિનની સુવિધા પણ મેળવી શકશે.
ડૉ. રવિએ કહ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કૉલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝરને જરૂરિયાતની વસ્તુમાં સામેલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એન-95 માસ્ક 9.75 લાખ, પીપીઈ કીટ 3.58 લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો 1.23 કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. એજ રીતે કોવિદ-19 અંગેની પ્રોફાઈલેકસીસ માટેની ટેબલેટ હાઈડ્રોકસી કલોરોકવિન દવાને શીડ્યુલ H1 ડ્રગ તરીકે જાહેર કરી છે. જેથી આ દવા માત્રને માત્ર અધિકૃત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળી શકે છે.