ગાંધીનગરઃ એપ્રિલ મહિનાથી એડવાન્સ ટેક્સની વસૂલાત શરૂ થઈ છે. કોરોના વાઈરસ અને લોકડાઉનના પગલે એડવાન્સ ટેક્સમાં વળતરની યોજના 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 13,500 મિલકતધારકોએ ટેક્સની ભરપાઈ કરી છે, જેમાંથી રૂ.14 કરોડની આવક થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા દ્વારા એડવાન્સ ટેક્સની ચૂકવણી પર સામાન્ય રીતે 10 ટકા વળતર અપાતું હોય છે. જો કે કોરોના મહામારીના પગલે રહેણાક મિલકતમાં 20 ટકા અને કમર્શિયલમાં 30 ટકા વળતર અપાય છે. આ સાથે ઓનલાઈન ચૂકવણી પર વધુ બે ટકા અને મહિલાઓ માટે પાંચ ટકા વળતરની જોગવાઈ છે. કમર્શિયલ મિલકત પર 37 ટકા સુધીનું વળતર મળી શકે છે.
મહાપાલિકા દ્વારા 30 જૂનના બદલે 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ગાંધીનગરમાં અંદાજે 55 હજાર મિલકતો આવેલી છે. તેમાંથી હજુ સુધી માત્ર 13,500 મિલકતધારકોએ જ ટેક્સ ભર્યો છે. વળતરની તારીખ વીતી ગયા બાદ ટેક્સ ભરનારા પાસેથી નિયત વેરો વસૂલવામાં આવશે. ગાંધીનગર મનપાના પોર્ટલ પર ઓનલઈન ટેક્સ ભરવાની સુવિધા ઉપલબ્ધ છે અને આ પદ્ધતિના ઉપયોગથી બે ટકા વધારાનું વળતર મળે છે. પરંતુ પોર્ટલ પર ટેક્સ ભરવામાં ઘણી વખત મુશ્કેલી આવતી હોવાની ફરિયાદો વધી છે.