ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 87 ઉપર પહોંચી છે. ત્યારે આજે નવો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ વડોદરામાં આ વાઇરસને લઈને એક વ્યક્તિનું મોત થયું છે, તેમ રાજ્યના આરોગ્ય અગ્રસચીવ જયંતી રવિ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોરોના વાયરસને લઈને મધ્યપ્રદેશમાં 300 વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. જે ગુજરાતમાં આવ્યાં બાદ પરત જઈ શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે તેમણે ઇન્ટર્નશીપ હવે ગુજરાતની હોસ્પિટલોમાં કરાવવામાં આવશે. આજે વડોદરામાં 52 વર્ષીય આધેડનો કોરોનાથી, જ્યારે ગાંધીનગરમાં 63 વર્ષીય આધેડનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે
દેશમાં 14 એપ્રિલ સુધી લૉક ડાઉન અમલમાં છે તેમ છતાં અલગઅલગ જિલ્લાઓમાંથી હવે લોકલ સંક્રમણને કારણે કોરોના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચીવ જયંતી રવિએ કહ્યું કે હાલમાં 17,666 હોમ કોરોન્ટાઈન કરાયાં છે. જેમાં સરકારી 904, પ્રાઇવેટ 282, તે ઉપરાંત 18,852 લોકો કુલ રાજ્યમાં કોરોન્ટાઈન છે જ્યારે 1789 કુલ ટેસ્ટ કરાયાં છે. 1693 નેગેટિવ કેસ, 9 કેસના રીપોર્ટ બાકી છે. હાલમાં પણ અમદાવાદ રાજ્ય કોરોના દર્દીઓને લઈને સૌથી ટોપ પર જોવા મળી રહી છે.
લૉક ડાઉનની સ્થિતિમાં મધ્યપ્રદેશમાં મેડિકલનો અભ્યાસ કરતા 300 વિદ્યાર્થી ગુજરાતમાં આવીને અટકી પડ્યાં છે તેવા સમયે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ત્રણસો વિદ્યાર્થીઓની ઇન્ટનશીપ ગુજરાત રાજ્યની હોસ્પિટલોમાં કરાવાશે.
બીજીતરફ ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે 63 વર્ષીય આધેડનું મોત થયું છે. ગાંધીનગર શહેરની નજીક આવેલા રાયસણ ગામમાં રહેતા 63 વર્ષીય પુરુષ ગઈકાલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યાં હતાં. એડમિટ કરાયા બાદ બે કલાક જેટલા સમયમાં જ તેમનું મોત થઈ ગયું હતું. આ દર્દી વિદેશ પણ ગયાં ન હતાં. કે કોઈ વિદેશીના સંપર્કમાં પણ આવ્યાં ન હતાં. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેના બણગાં ફૂંકવામા આવે છે. પરંતુ તેમના કર્મચારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ખરા અર્થમાં કાર્યવાહી કરાઇ હોત તો , આ દર્દીનો જીવ પણ બચાવી શક્યાં હોત. ત્યારબાદ આજે સવારે તેમના સેમ્પલનો રિપોર્ટ આવતાં આ પેશન્ટ સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે સીઝનનું પહેલું મોત સામે આવ્યું છે.